• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામની વેજિટેબલ માર્કેટનાં બાંધકામનો પાયો નબળો

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામમાં જૂની કોર્ટ રોડ ઉપર લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલી વેજિટેબલ માર્કેટનું કામ નબળું થતું હોવાના આક્ષેપો તો લાંબા સમયથી થઈ જ રહ્યા છે તે વચ્ચે પાયાનું બાંધકામ એટલે કે કોલમનું કામ નબળું થતું હોવાનું સામે આવ્યું છે. કોલમ ભૂલી ગયા હોય અથવા તો કોલમ ચાતરી ગયા હોય કોઈ પણ કારણ હોઈ શકે. ઢાંક પીછોડો કરવા કોલમની બાજુમાં જ સળિયા ઊભા કરીને સિમેન્ટ કોંક્રીટ કરી દેવામાં આવ્યું છે. ભોપાળું ખુલે તે પહેલાં માટીથી બધું ઢાંકી દેવાતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો બાંધકામનો પાયો નબળો હોય તે ઇમારત લાંબો સમય ટકતી નથી, પરંતુ મહાનગરપાલિકાના ઇજનેરો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોવાથી તેમના માનીતા કોન્ટ્રાક્ટરનું નબળું બાંધકામ દેખાતું ન હોવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે, જેના કારણે કામ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે. લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાનું આ કામ છે અને તેના કોલમબીમનું કામ જ નબળું થઈ રહ્યું હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખરેખર તો મહાનગરપાલિકાના એન્જિનીયરે તપાસ કરીને કોલમમાં કંઈ પણ ખામી અથવા તો ક્ષતિ હોય, તો કોલમ તોડાવીને નવેસરથી કામગીરી કરાવવી જોઈએ, પરંતુ ફિલ્ડમાંથી નારાજ રહેતા એન્જિનીયરોને કોન્ટ્રાક્ટરની નબળી ગુણવત્તાની કરામત દેખાતી નથી. અહીં કોલમની બાજુમાં અલગથી સળિયા ઊભા કરીને આરસીસીની ભરાઈ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે, બધું ભોપાળું ખુલે તે પહેલાં માટીથી બૂરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. સિટી ઇજનેર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો તપાસ કરવાની તસ્દી લેશે તે સહિતના સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. પાયો નબળો હોય, તો ઈમારત જોખમી થઈ જાય છે. ભવિષ્યમાં ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થાય તેવી સંભાવના છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી જો નબળું બાંધકામ કરવામાં આવતું હોય, તો તંત્ર દ્વારા શું કામ પગલાં ભરવામાં આવતાં નથી તે સહિતના વ્યાપક સવાલો ઊઠી રહ્યા છે. - લોકોની જિંદગી કરતાં કોન્ટ્રાક્ટરો મહત્ત્વના : ગાંધીધામ સંકુલમાં રોડ રસ્તાનાં કામોની ગુણવત્તા સાવ નબળી છે. નવા વરસાદી નાળાંઓમાંથી પાણીનો નિકાલ થતો નથી, ફૂટપાથ બેસી રહી છે, લાઇબ્રેરી તથા વેજિટેબલ માર્કેટ સહિતનાં જે બાંધકામો છે, તે નબળી ગુણવત્તાના થઈ રહ્યાં છે તેમ છતાં કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઇજનેર કોઈ પગલાં ભરતા નથી.  બાંધકામ નબળી ગુણવત્તાનાં થતાં હોવાથી લોકોની જિંદગી ઉપર ખતરો છે છતાં આરામ ફરમાવતા અધિકારીઓ માટે લોકોની જિંદગી કરતાં કોન્ટ્રાક્ટરો મહત્ત્વના હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd