દયાપર (તા. લખપત), તા. 25 : તાલુકાના
પાનધ્રો લિગ્નાઇટ ખાણ બંધ થયા પછી ત્વરિત માતાના મઢ અને ઉમરસર ખાણ શરૂ કરાઇ પણ પાનધ્રોના
તોલે આ બંને પ્રોજેક્ટ આવી શકે નહીં. વધુમાં હવે પાનધ્રો એક્સટેન્શન અને લખપત-પુનરાજપર
ખાણ ચાલુ કરવા ચક્રો ગતિમાન થયા જેમાં પુનરાજપર લિગ્નાઇટ ખાણને મંજૂરી મળી જતાં ભારે
માશીનો લખપત પાસે મોટા પ્રમાણમાં ખોદકામનો પ્રારંભ થઇ ચૂક્યો છે. લખપત-પુનરાજપર પ્રોજેક્ટ
`એ' શ્રેણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1/એમાં આવે છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગયા પછી 2959/ 67 હે.આ. જમીન વિસ્તારમાં લિગ્નાઇટનો
જથ્થો 30/40 મિલિયન ટન, લાઇમ સ્ટોન 29.81 મિલિયન ટન 35 વર્ષ જથ્થો ચાલે તેટલો છે.
હાલમાં ખાનગી કંપની દ્વારા જમીન ખોદકામ કામનો ધમધમાટ ચાલુ છે. પ્રોજેક્ટ કચેરીની સામેના
વિસ્તારમાં જમીન ઉપર પ્રથમ સ્તરમાં લાઇમ સ્ટોનનો પુષ્કળ જથ્થો છે જેનો સ્ટોક કરાઇ રહ્યો
છે. લાઇમ સ્ટોન જથ્થા નીચે લિગ્નાઇટ પુષ્કળ પ્રમાણમાં ધરબાયેલું છે. આ પ્રોજેક્ટ ચાલુ
થતાં છેવાડાના લખપત વિસ્તારમાં ધમધમાટ વધ્યો છે. બીજીબાજુ અહીં રેલવે લાઇન પણ આવવાની
છે અને લખપત ખાતે રેલવે સ્ટેશન પણ બનશે. નજીકમાં સિમેન્ટ ઉદ્યોગ આવી રહ્યો છે ત્યારે
લખપતના લાખેણા દિવસો પાછા આવે તેવી આશા મંડાઇ છે. જો કે, પુનરાજપર વિસ્તારમાં હજુ જમીન સંપાદનના પ્રશ્નો
છે જેની રજૂઆતો થઇ રહી છે. લખપતથી નારાયણ સરોવર રેલવે લાઇનમાં પણ જમીન સંપાદનના મુદ્દા
આવશે. જો કે, આ રેલવે લાઇન ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે. મુસાફરો
બાબતે પેસેન્જર ટ્રેનની કોઇ ચર્ચા નથી અને લખપતથી ના.સરોવર, વાયોર,
નલિયા થઇ ભુજ આવવા કરતાં લખપતથી વાયા દયાપર-નખત્રાણા હાઇવે અનુકૂળ થાય,
સમય બચે. લખપતથી દયાપર, માતાના મઢ, નખત્રાણા, દેશલપર સુધી પણ રેલવે લાઇન સર્વે કરાય તે જરૂરી
છે. હાલમાં તો લખપત-પુનરાજપર લિગ્નાઇટ પ્રોજેક્ટનો ધમધમાટ ચાલુ છે અને દિવાળી પછી લિગ્નાઇટ
લોડિંગ ચાલુ થાય તેવી શક્યતાઓ અધિકારઓ વ્યક્ત કરી રહ્યા છે.