• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

વિદાય લે છે ચોમાસું : કપરા સમય માટે તૈયાર રહીએ

ગ્લોબલ વોર્મિગ પ્રેરિત અલ નીનો નૈઋત્ય ચોમાસાને નુકસાન પહોંચાડશે એવી દહેશત આવી પડી છે. વર્ષાઋતુની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાતમાં તથા કચ્છના અનેક ભાગોમાં  જળાશયો અડધાથી વધુ ખાલી રહી ગયાં છે. કુદરતના ખોફનો જે રીતે અનુભવ થઈ રહ્યો છે એ જોતાં  લાગે છે કે, વરસાદના ભરેસે જ રહી શકાય તેમ નથી. હવે શિયાળો આવશે. ઠંડી ઋતુમાં પાણીનો વપરાશ ઘટે પણ એ પછીના ઉનાળાના દિવસોનો અત્યારથી જ વિચાર થવો જોઈએ. ગુજરાત અને દેશમાં ચોમાસું સાતત્યવિહોણું રહ્યું. બિહાર, પૂર્વોત્તર રાજ્યો, હિમાલયન રાજ્યો, ઓરિસ્સા તરફ અનરાધાર વરસાદ થયો, પણ બાકીના ભાગોમાં મેઘરાજાની અવકૃપા રહી અને જ્યાં પુષ્કળ વરસાદ થયો ત્યાં સમસ્યા એ રહી કે ધીમી ધારે માફકસરની મેઘસવારીને બદલે સાંબેલાધાર એક સાથે ઘણો બધો વરસાદ થતાં જમીનનું ધોવાણ, પૂર, જળાશયો તૂટવા, ભૂસ્ખલન જેવા પ્રશ્નો ઉત્પન્ન થયા છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલ નીનોના આ રૂપથી ચેતવણી એવી મળે છે કે, ભારતમાં શિયાળા દરમ્યાન ઉષ્ણતામાન એટલું નીચું નહીં જાય. ઠંડી ઓછી પડશે એટલે વિપરીત હવામાનની સમસ્યા રહેવાની. ગરમી વધે તેમ પાણીની ખપત વધે એ સ્વાભાવિક છે. કચ્છની વાત કરીએ તો ઓગસ્ટ સુધી માત્ર 29 ટકા જ વરસાદ થયો હતો. ગયા અઠવાડિયે લો પ્રેશરની અસર હેઠળ એક જ દિવસમાં 27 ટકા ઘટ ઓછી થઈ. સારો વરસાદ થતાં અછત હાલતુરત ટળી ગઈ, પરંતુ અગાઉની તુલનાએ  હજુ પણ 34 ટકા વરસાદની ઘટ છે. વરસાદી દિવસોએ ઓછા રહેતાં જમીનમાં પાણી ઊતરી શક્યું નહી હોય. હા, હાલ ઘડીએ સીમાડામાં ઘાસ સારું થશે એટલે પશુઓને નિરાંત થશે, પણ છ મહિના પછીની પરિસ્થિતિ મુશ્કેલ બનશે એમ લાગે છે. કચ્છ માટે વરસાદ પછીનો આધાર કાં તો ધરતીના પાણી હોય અથવા તો નર્મદા જળ. અલ્પ મેઘકૃપાથી પાતાળનાં પાણી વધુ નીચાં ઊતરી ગયાં હશે. આ સંજોગોમાં નર્મદાનાં પાણી પર કચ્છનો મદાર વધશે. કચ્છનાં જળાશયોને નર્મદાનાં નીર વિતરણ માટેની યોજનાના કામો પ્રગતિમાં છે. તેમાં ઝડપ લાવવી રહી. સાથે પશ્ચિમ કચ્છમાં જળ સંગ્રહની સ્થિતિ દારૂણ છે એ વિસ્તારના કામો પર વિશેષ ભાર દેવો પડશે. જિલ્લાના ડેમ-તળાવોની સ્થિતિ ચિંતાજનક છે. મધ્યમ સિંચાઈના 20માંથી માત્ર બે જ ડેમ છલકાયા, ત્રણ ડેમ તળિયાઝાટક છે. આઠમાં 20 ટકાથી ઓછું પાણી બચ્યું છે. એકંદરે કુલ ક્ષમતા માત્ર 29 ટકા  જ પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. ખેડૂતો અને પશુપાલકો માટે આવનારા મહિનાઓ કપરા બનવાના એંધાણ છે. શહેરીજનોને પણ પાણી વિતરણમાં  કાપનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.આ પરિસ્થિતિમાં આપણે સૌ નાગરિકોએ પણ આદત બદલવી પડશે. પાણીનો કરકસરથી ઉપયોગ એ સમયની માંગ છે. પાણીનો બિનજરૂરી વ્યય ન થવો જોઈએ. પાણીની કટોકટી કઈં ગુજરાત કે દેશ નહીં, સમગ્ર દુનિયા માટેનો પ્રશ્ન છે. ભાવી પેઢી અને પ્રકૃતિ માટે પણ આપણે પાણી બચાવવું પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd