અંજાર, તા. 25 : અંજાર શહેરની સહજાનંદ પાર્ક
સોસાયટીમાં પીજીવીસીએલની અચાનક વીજલાઇનમાં હાઈ વોલ્ટેજ થતાં અનેક
ઘરોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થયા હતા. જેના કારણે
વીજગ્રાહકોને લાખો રૂપિયાનું આર્થિક
નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બહાર આવેલી વિગતો અનુસાર સહજાનંદ પાર્ક સોસાયટીમાં
અચાનક વીજ પુરવઠામાં હાઇ વોલ્ટેજ થતાં ઘરોમાં જાણે બોમ્બ ફૂટયો હોય તેવા મોટા ધડાકા
અને અવાજો થયા હતા. જેને કારણે ભયનો માહોલ
ઊભો થયો હતો તેમજ મોટાભાગના ઘરોના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો શોર્ટસર્કિટ સાથે
ક્ષતિગ્રસ્ત થયા હતા. હાઈ વોલ્ટેજ કારણે સોસાયટીના
અનેક ઘરોમાં સ્વીચબોર્ડ સંપૂર્ણ બળી ગયા. પંખા, એસી, ટી.વી. અને ફ્રીઝ જેવા મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણો
બળી ગયા હતા. એટલું જ નહીં પીજીવીસીએલના વીજ મીટર તેમજ સોસાયટીની મેઈન વીજ લાઇનને પણ
ભારે નુકસાન થયું છે. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં
લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ સોસાયટીના રહીશોએ પીજીવીસીએલ તંત્ર દ્વારા
તાત્કાલિક ધોરણે સ્થળ પર આવીને નુકસાનનો સર્વે કરી તાત્કાલિક નુકસાની વળતર ચૂકવવામાં
માંગ કરી હતી.