ગાંધીધામ, તા. 25 : કેન્દ્ર સરકાર દ્વારા
ચાર બંદરને મેગાપોર્ટ તરીકે જાહેર કર્યા છે,
ત્યારે ડીપીએના કાર્ગો હેન્ડલિંગ વધારવા સહિતના ક્ષેત્રોમાં વિકાસ ઝડપી
બનશે તેવું ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘે કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ઈ-મિથેનોલ પ્લાન્ટના કાર્યક્રમની તૈયારીની વ્યસ્તતા
વચ્ચે તેમણે જણાવ્યું હતું કે, મેજર પોર્ટ એટલે કે જે સરકાર દ્વારા
સંચાલિત હોય. મેજર પોર્ટની વ્યાખ્યામાં આંકડાને ધ્યાનમાં નથી લેવાતા. કેન્દ્ર સરકાર
દ્વારા કચ્છના બે સહિત ચાર બંદરને 100 મિલિયન ટનથી વધુ કાર્ગોનું
હેન્ડલિંગ કરતા પોર્ટને મેગા પોર્ટ જાહેર કરાયા છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં સુરક્ષા, માળખાકીય સુવિધાઓની વૃદ્ધિ, રેલ-રોડ કનેક્ટિવિટી સુદૃઢ બનાવવા, વધુ ડ્રાફટ સહિતના
ક્ષેત્રોમાં વ્યાપક સ્તરે સુધારા કરાશે. ડીપીએના મેગા પોર્ટના પ્રોજેક્ટને હવે વધુ
ગતિ મળશે, તેવું કહી
કંડલા અને મુંદરા પોર્ટ દ્વારા દેશનું
40 ટકા આયાત-નિકાસ કરવામાં આવે છે તે આંકડો ઓર ઊંચો જશે તેવું જણાવ્યું હતું.