નવી દિલ્હી, તા. 25 : દેશમાં લોકતંત્રનાં
કેન્દ્રબિન્દુ સમાન ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે
શુક્રવારે દેશભરમાં વિવિધ સ્વરૂપે વિરોધ પ્રદર્શન કર્યા હતા. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ,
બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા,
પશ્ચિમ બંગાળ, આસામ સહિત રાજ્યોમાં કોંગ્રેસના
નેતાઓ, કાર્યકરોએ રેલીઓ, સૂત્રોચ્ચાર સાથે
દેખાવો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પ્રદર્શનો દરમ્યાન એવો આરોપ મૂક્યો હતો કે,
જ્ઞાનેશકુમાર પોતાની મરજી મુજબ વર્તે છે અને અન્ય બે ચૂંટણી કમિશનરોની
વાત નથી સાંભળતા. બિહારમાં રાજદના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું પૂતળું
સળગાવ્યું હતું. પટણામાં બેરિકેડિંગ તોડવાની કોશિશ કરનારા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ
વચ્ચે ધક્કામૂક્કી થઇ હતી. છત્તીસગઢનાં રાયપુરમાં વરસતા વરસાદે કોંગ્રેસ કાર્યકરોએ
રસ્તાઓ પર ઉતરી પડતાં રેલી કાઢી હતી. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ઉગ્ર બનેલાં પ્રદર્શન
વચ્ચે પોલીસે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. કાશ્મીરની વિધનસભામાં કોંગ્રેસ સભ્યોએ
નારેબાજી કરી હતી.