• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સ : ભારતનાં ખાતાંમાં વધુ પાંચ મેડલ

નવી દિલ્હી, તા. 24 : જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મેડલ મેળવવા રફતાર પકડી રહ્યા છે. મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા સાથે જ ભારત પાસે હવે 17 મેડલ થઈ ગયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધી 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ નોંધાયા છે, જેમાં એકલા શાટિંગથી જ 8 મેડલ (4 સિલ્વર અને 4 બ્રોન્ઝ) મળ્યા છે. 4X400 મીટર મિક્સ્ડ રિલે રેસની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર તાલમેલ અને ગતિનું પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો હતો. એમ. આર. પૂવમ્મા, વિશાલ, વિથ્યા રામરાજ અને મનુની ક્વાર્ટેટે 3:14.46 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે રેસ પૂરી કરીને પોડિયમ પર બીજું સ્થાન નિશ્ચિત કર્યું હતું.  શૉટગન શાટિંગના મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટમાં અનંતજીત સિંહ નારૂકા અને પરિનાઝ ધાલીવાલની જોડીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ 48માંથી 44 નિશાના સાધીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતને આ ઈવેન્ટમાં મળેલો આ પ્રથમ મેડલ છે. રોશિબિના દેવીએ મહિલાઓની 60 કિલોગ્રામ વુશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમનો મુકાબલો ફાઇનલમાં ચીનની ઝાંગ જિયાયુ સામે થયો હતો. રોશીબીના 0-2થી હારી હતી. આ પદક સાથે રોશિબિના સળંગ ત્રણ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા વુશુ ખેલાડી બની ગઈ છે. આ ઉપરાંત રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ મેન્સ ડબલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું સમૃદ્ધ બનાવ્યું હતું. આજે એથ્લેટિક્સમાં પણ ભારતને મેડલ મળ્યો છે. લોંગ-ડિસ્ટન્સ રનર સીમા કુમારીએ અસાધારણ સ્ટેમિના, ધૈર્ય અને રણનીતિનું અદ્ભુત પ્રદર્શન કરતાં મહિલાઓની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ત્રીજું સ્થાન હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ચાલુ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતનું મેડલનું ખાતું ઔપચારિક રીતે ખૂલી ગયું છે. આ જીતની સાથે જ સીમા કુમારી એશિયન ગેમ્સના ઈતિહાસમાં મહિલાઓની 10,000 મીટર સ્પર્ધામાં મેડલ જીતનારી ભારતની માત્ર ત્રીજી મહિલા એથ્લેટ બની ગઈ છે.  - ભારતીય મહિલા કબડ્ડી ટીમનો મેડલ પાક્કો  : ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના આખરી મુકાબલામાં યજમાન જાપાનને 50-25થી એકતરફી પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં સળંગ ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપમાં તમામ મેચો જીતી પોઇન્ટ્સ ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઈરાન બીજા ક્રમે રહ્યું છે. આ વિજય સાથે ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવીને પોતાનો મેડલ પાકો કરી લીધો છે.  - એથ્લેટિક્સ : ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજૂર સેમિફાઇનલમાં  : ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતીય પ્રિન્ટર્સે સારો દેખાવ કર્યો છે. પુરુષોની 100 મીટર દોડમાં ગુરિન્દરવીર સિંહે પોતાની હીટમાં 10.38 સેકન્ડનો સમય કાઢીને બીજું સ્થાન મેળવતાં સેમિફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે. અગાઉ, ભારતના જ અનિમેષ કુજૂરે પણ પોતાની હીટમાં 10.36 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી હતી.  - બોક્સિંગ : પરવીન હુડ્ડા ક્વાર્ટર ફાઇનલમાં  : મહિલા બોક્સિંગના રાઉન્ડ ઓફ 16માં ભારતની પરવીન હુડ્ડા રિંગમાં ઉતર્યા વગર જ આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તાજિકિસ્તાનની મલિકા નોઝિમોવાએ મુકાબલામાંથી ખસી જઈને વોકઓવર આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં હવે પરવીનનો સામનો ઉઝબેકિસ્તાનની નવબખોર ખામિદોવા સામે થશે.  - ટેબલ ટેનિસ : મહિલા ડબલ્સમાં ભારતનો દબદબો  : ટેબલ ટેનિસ વિમેન્સ ડબલ્સના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ભારતીય પેડલર્સે એકતરફી પ્રભુત્વ દાખવ્યું હતું. યશસ્વિની ઘોરપડે અને દીયા ચિતાલેની જોડીએ ઈરાનની સેતાયેશ ઇલૂખાની અને મહશિદ અશ્તારીને 3-0થી પરાજિત કરી હતી જ્યારે શ્રીજા અકુલા અને સિન્ડ્રેલા દાસની જોડીએ મંગોલિયાની બોલોર-એર્ડેને બતમુનખ અને બુરેનજર્ગલ સાંજાને 3-0થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd