• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ખાદ્યતેલ : રાહત અને ચિંતા

ખાદ્યતેલનો ભાવવધારો તહેવારોની ઉજવણીમાં અવરોધક ન બને તે માટે કેન્દ્ર સરકારે સોયાબીન, પામ સહિતના તેલની ડયૂટીમાં ઘટાડો કર્યો છે, જેને લીધે ગ્રાહકોને તો રાહત થઈ છે, પરંતુ આગામી દિવસોમાં ખેડૂતની હાલત બગડશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. મોંઘવારીનું દબાણ ચોક્કસ ઘટશે, પણ લાંબાગાળે સૌરાષ્ટ્રના કૃષિક્ષેત્રને વિપરિત અસર થશે. કોઈ પણ ચીજ-વસ્તુની કિંમત ઘટે તે વ્યાપક હિતમાં હોય, પરંતુ ગ્રાહકો-સામાન્ય લોકોની સાથે અહીં ખેડૂતોનું હિત પણ જોખમાય નહીં તેવા આયોજનની જરૂર છે. અલબત્ત, વૈશ્વિક અને કુદરતી કારણે મોંઘવારી વધી છે તેમાં આ ભાવઘટાડો રાહતદેય તો  છે જ. આ વર્ષે ખાદ્યતેલની કિંમતનો વધારો 30 ટકાને આંબી ગયો હતો. ફૂડ સૂરજમુખી તેલ ઉપરની બેઝિક કસ્ટમ ડયૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી છે. સોયાબીન અને પામ તેલ પરની ડયૂટી 10થી ઘટાડી 5 ટકા કરી છે. ફૂડ અને રિફાઈન્ડ તેલ વચ્ચે 19.25 ટકાનો આયાત જકાતનો ગાળો રખાયો છે, જેથી દેશની અંદર રિફાઈનિંગને પ્રોત્સાહન મળે. આયાત જકાતમાં થયેલા ઘટાડાની તાત્કાલિક અસર થઈ છે. આ બધા તેલની કિંમતમાં પ્રતિકિલો રૂા. 20 ઘટયા છે. રસોડાંના બજેટમાં તેનાથી રાહત થશે. તહેવાર નજીક આવી રહ્યા છે. જન્માષ્ટમી સમયે તેલના ભાવ વધારે હતા, દિવાળીના દિવસોમાં તે ઓછા થશે તેવી આશા સેવી શકાય. જો કે, આ રાહત ગ્રાહકો પૂરતી છે, સીંગતેલના ભાવ ઉપર અસર શું પડે છે તે સવાલ  મોટો છે. આયાતી તેલ સસ્તું થવાથી સ્થાનિક તેલીબિયાં અને તેમાંથી બનતાં તેલની બજારમાં સ્પર્ધા વધી શકે. સીંગતેલના ભાવમાં ભડકો છે, ડબ્બાનો ભાવ રૂા. 3050ને પાર કરી ગયો છે. નવી મગફળી આવે ત્યારે ભાવ દબાવા જોઈએ તેના બદલે આ વખતે ચિત્ર જરા જુદું છે. મગફળીનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતા છે. કારણ કે, વરસાદ ઓછો છે. ઓછા પાકની શક્યતા, જૂની મગફળીની આવક બજારમાં ઘટતાં આવક તળિયે પહોંચી છે. પરિણામે ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય તેલ તો સસ્તાં થયા, પરંતુ સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક થવાનું ટાણું આવ્યું છે. કપાસ, તેલીબિયાં પણ આવશે. આયાત વધે તેથી કિંમત ઘટે તે કામચલાઉ વ્યવસ્થા છે, જેને કાયમી અવસ્થા બનતાં અટકાવવી જોઈએ. જે કોઈ વસ્તુની ઘટ પડે તેની આયાત કરવાનો જ રવૈયો અપનાવવાથી સ્થાનિક ઉત્પાદકોનું હિત જોખમાય. તેલમાં પણ એવું જ છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે મલેશિયા કે બ્રાઝિલના તેલ ઉપર નિર્ભર રહેવાને બદલે સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના પોષક ભાવ મળે, તેનું વાવેતર વધે તેવી નીતિ અપનાવવી જોઈએ. અન્ય તેલોની જેમ સીંગતેલના ભાવ પણ ગ્રાહકો માટે નિયંત્રણમાં રાખવા જોઈએ, સટ્ટાખોરી ઉપર નજર રાખવી જોઈએ અને યાર્ડમાં પણ ખેડૂતોનું હિત સચવાય તે જોવું જોઈએ.  પામ, સોયાતેલ સસ્તું થયું, તહેવાર સુધરી જશે, પરંતુ ખેતીના ભવિષ્ય અને ભવિષ્યની ખેતી બંને ઉપર નજર રાખવાની આવશ્યકતા છે. સરકારે ડયૂટી ઘટાડીને ગ્રાહકના-નાગરિકના મોટા સમુદાયનું જ ભલું ઈચ્છયું છે, તેમાં કોઈ શંકા નથી, લાંબાગાળાનું કોઈ આવું આયોજન થવું જોઈએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd