• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

અઢી મહિનામાં ગંદકીની 3,000થી વધુ ફરિયાદ

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને છ ગામડાંમાં નિયમિત સફાઈ તેમજ કચરાના ઢગ ઉપાડવા સહિતની કામગીરી એજન્સીને સોંપાય છે, તેના બદલામાં કોર્પોરેશન દર મહિને લગભગ પોણા બે કરોડ રૂપિયાનું ચુકવણું કરે છે. જંગી ખર્ચ થઈ રહ્યો છે છતાં હેતુ સાર્થક થતો નથી અને ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. અઢી મહિનામાં કોર્પોરેશનમાં ગંદકીની લગભગ 3000થી વધુ ફરિયાદ આવી છે. મુખ્યમંત્રીની ટકોર પછી પણ સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. કોર્પોરેશનના અધિકારીઓ એજન્સી પાસેથી સફાઈ કરાવવામાં નિષ્ફળ છે, જેના પગલે સફાઈ અભિયાનનાં નામે ખુદ તંત્ર એ સાવરણા ઉપાડીને સફાઈ કરવાનું શરૂ કર્યું છે. દર મહિને લાખો રૂપિયાના ખર્ચ પછી જો હેતુ સાર્થક ન થતો હોય, તો એજન્સી સામે પગલાં શું કામ ભરવામાં આવતાં નથી તે સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે. તત્કાલીન સમયે ગાંધીધામ આદિપુર તથા કિડાણા, અંતરજાળ, શિણાય, ગળપાદર, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીની સફાઈ કામગીરી આ એજન્સીને સોંપવામાં આવી હતી. તેના દર મહિને 1.41 કરોડથી વધુ રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે. અહીં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ સફાઈ કરવાની છે, પરંતુ આ એજન્સી દ્વારા મેઘપર કુંભારડી તથા મેઘપર બોરીચી સહિતનાં ગામડાંઓમાં સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે ફરિયાદ આવે, ત્યારે ટ્રેક્ટરમાં શ્રમજીવીઓને લઈ જવામાં આવે છે અને એક રોડની સફાઈ કરીને ફોટા પાડીને કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.  ત્યારપછી આ એજન્સી સફાઈ માટે ડોકાતી નથી તેમ છતાં સફાઈની જવાબદારી સંભાળનારા અધિકારી કોઈ પગલાં ભરતાં નથી, જેના પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં ખાસ કરીને આદિપુરના આંતરિક વિસ્તારોમાં અને ગાંધીધામના પણ ઘણા વિસ્તારમાં સફાઈ થતી નથી. અમુક માર્ગોની સફાઈ કરીને તેના ફોટા પાડીને કમિશનર સહિતના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને સફાઈ બાબતે ઊંધા ચશ્મા પહેરાવાઈ રહ્યાં છે. એજન્સીની ખુશામત કરવાના બદલે જમીન ઉપર એજન્સી પાસેથી સફાઈની કામગીરી લેવી આવશ્યક છે.  દર મહિને લાખો રૂપિયાનું ચુકવણું થાય છે તેમ છતાં ગ્રામીણ વિસ્તારમાં તો સ્વચ્છતાનાં નામે શૂન્યાવકાશ છે. શહેરી વિસ્તારમાં જ્યાં ફરિયાદો આવે એમ હોય, તે વિસ્તારમાં સફાઈ કરાવીને ફોટોસેશન પૂર્ણ કરાય છે. અધિકારીઓએ શહેરીજનોનાં સ્વાસ્થ્યનું વિચારવું જોઈએ તેના બદલે એજન્સીનું ભવિષ્ય વિચારતા હોવાથી ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે અને લોકોનાં સ્વાસ્થ્ય ઉપર જોખમ મંડરાયેલું રહે છે. બન્ને ઝોનમાં એજન્સીએ 200-200 કામદાર, લગભગ 18-18 ટ્રેક્ટર, રોડ સ્લીપર તથા લોડર,જેસીબી સહિતનાં સાધનો પૂરા પાડવાનાં છે અને સફાઈની કામગીરી કરવાની છે પૂરતા કામદારો હોતા નથી છતાં રજિસ્ટર મેન્ટેઈન થાય છે.  પૂરતાં સાધનો પણ અપાતાં નથી, જેના કારણે સફાઈ થતી નથી. એટલા માટે જ બે મહિનામાં 3,000થી વધુ ફરિયાદ છે અને તેમાં 2000થી વધુ ઓનલાઈન ફરિયાદ નોંધાયેલી છે. નેતાઓ અને અધિકારીઓએ સમીક્ષા કરીને પગલાં ભરવા જરૂરી છે તેવી માંગ જાગૃત લોકો કરી રહ્યા છે. - એક અધિકારી એજન્સીની સેવામાં વ્યસ્ત : શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સફાઈ થતી નથી, વ્યાપક ફરિયાદો છે છતાં એજન્સી સામે પગલાં ભરવાના બદલે એક અધિકારી એજન્સીની સેવામાં વ્યસ્ત રહેતા હોવાના આક્ષેપો ખુદ કોર્પોરેટરો પણ કરી રહ્યા છે.  એજન્સીના બિલ તથા તેનું ઓડિટ તેમજ કામદારો ઓછા આવ્યા હોય અને સાધનો પૂરતાં ન હોય છતાં રજિસ્ટર નિભાવ સહિતની તમામ સેવાઓ પ્રદાન કરાતી હોવાના આક્ષેપો છે. અમુક માર્ગોની સફાઈ કરીને ફોટા પાડીને અધિકારીઓને દેખાડવામાં આવતા હોવાના પણ આક્ષેપો છે ખરેખર સમીક્ષા થવી જોઈએ અને એજન્સીની સેવા કરવાના બદલે તેમની સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી છે. - સાધનો ભાડે રાખીને ભાડું ચૂકવાય છે : એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે અને તેમણે તમામ સાધન સામગ્રી પૂરી પાડવાની છે, પરંતુ ટેન્ડરની શરતો મુજબ કામ થતું નથી અને જે તે સમયે ટેન્ડરમાં રહેલી ક્ષતિ અને ખામીની સમીક્ષા થતી નથી, તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સફાઈ અભિયાનનાં નામે નેતાઓ અને અધિકારીઓએ સાવરણા લીધા છે. લાખો રૂપિયા એજન્સીને ચૂકવાય છે છતાં મહાનગરપાલિકા સફાઈ માટેના સાધનો ભાડે રાખીને ભાડું પણ ચૂકવતું હોવાનાં આક્ષેપો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. - સીએમ સમીક્ષા કરે તેવી માંગ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા નહીં, તો ગ્રાન્ટ નહીં તેવું કહ્યું હતું. ગાંધીધામમાં દર મહિને સફાઈ પાછળ પોણા બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે છતાં ગંદકી ફેલાયેલી છે. શહેરોની સાથે સાથે મેઘપર બોરીચી, કુંભારડી સહિતના ગ્રામીણ વિસ્તારમાં સફાઈ થતી નથી. રૂપિયા ખર્ચાય છે, તેનું પરિણામ મળતું નથી, જેના પગલે મુખ્યમંત્રી સમીક્ષા કરે તેવી માંગ નાગરિકો કરી રહ્યા છે.     

Ram Katha

Vyapar Utsav

Panchang

dd