ગાંધીધામ, તા. 25 : ભચાઉના માનસરોવર વિસ્તારમાં
રિવર્સ આવતી કારે જશોદાબેન ભગવાનસિંહ રાજપૂત (ઉ.વ. 48)ને હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામની
દમયંતીબેન હેમંત કટુઆ (ઉ.વ. 42)એ ગળેફાંસો
ખાઇ પોતાનો જીવ દીધો હતો. ભચાઉના માનસરોવર વિસ્તારમાં ગત તા. 22-9ના રાત્રે 9:30ના અરસામાં આ બનાવ બન્યો હતો.
અહીં ભાડાના મકાનમાં એકલા રહેતા જશોદાબેનને મહેન્દ્ર ચંપકલાલ શાહ પોતાની કાર નંબર જીજે-12-ડીએમ-2649 લઇને દવા આપવા આવ્યા હતા. દરમ્યાન
મહેન્દ્ર શાહની કાર પાછળ આધેડ મહિલા ઊભા હતા, તેવામાં કારચાલકે બેદરકારીથી કાર પાછળ કરતાં મહિલા હડફેટે ચડયા હતા,
જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા,
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કારચાલક સામે મહિલાની દીકરી
સીમાબેન રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં
બન્યો હતો. અહીં રહેનાર દમયંતીબેન ગઇકાલે પોતાના ઘરે હતા. દરમ્યાન વોશરૂમમાં જઇ અગમ્ય
કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ
હાથ ધરી છે.