ભુજ, તા. 25 : `કુછ દિન તો ગુજારો' વાક્યએ કચ્છને વિશ્વવિખ્યાત બનાવ્યું,
હવે `કુછ દિન તો
ગુજારો' વિદ્યાર્થીઓ, કચ્છની ઝીરો
મહેકમવાળી શાળામાં ! આ વાક્ય કચ્છની શૂન્ય અથવા એક શિક્ષકવાળી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક
શાળાના વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં બંધબેસતું બની રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે.
કચ્છમાં શૂન્ય શિક્ષકવાળી માધ્યમિક શાળાઓ ! કદાચ માત્ર કચ્છ સિવાય રાજ્યમાં ક્યાંય
જોવા નહીં મળે, પણ કચ્છમાં શૂન્ય શિક્ષક ધરાવતી શાળાઓ જોવા મળે
છે. - શૂન્ય શિક્ષકવાળી શાળાઓ મુદ્દો
ચિંતાજનક : `કચ્છ નહીં દેખા તો કુછ નહીં
દેખા' ઉક્તિ જાણે કે સાર્થક થતી હોય તેમ કચ્છમાં જોવા
મળતી શૂન્ય શિક્ષક ધરાવતી શાળાઓનો મુદ્દો ચિંતાજનક બન્યો છે. જિલ્લામાં શૂન્ય શિક્ષકવાળી
માધ્યમિક શાળાઓ મોટી સંખ્યામાં હોવાના આક્ષેપોથી શિક્ષણ તંત્રની કામગીરી સામે ગંભીર
સવાલો ઊભા થયા છે. રાજ્ય સરકાર દ્વારા નવી
માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ જરૂરી શિક્ષકોની
સમયસર નિમણૂક ન થતાં શૈક્ષણિક વ્યવસ્થા ખોરવાઈ રહી હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલીક શાળાઓમાં
નજીકની અન્ય શાળાઓમાંથી કામચલાઉ ધોરણે શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે,
આવી વ્યવસ્થાથી મૂળ શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થવાની સંભાવના
વ્યક્ત થઈ રહી છે. - 70થી વધુ શૂન્ય શિક્ષકવાળી શાળા : જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ
કચ્છમાં માધ્યમિક વિભાગમાં 70થી વધુ શૂન્ય
શિક્ષકવાળી શાળા જ્ઞાનસહાયકો થકી ચાલી રહી છે અથવા તો નજીકની શાળામાંથી વ્યવસ્થા રૂપે કાયમી શિક્ષકને બોલાવી અભ્યાસ કરાવાય છે તેમજ 30થી વધુ શાળા એવી છે, જેમાં એક જ શિક્ષકથી અભ્યાસ ચલાવાઈ રહ્યો છે.
આ શાળાઓમાં વ્યવસ્થામાં મૂકાયેલા શિક્ષક અમુક દિવસ પોતાની અને નિયત કરેલા મુજબ વ્યવસ્થાવાળી શાળામાં
ભણાવે છે ત્યારે બધા વિષયોનો અભ્યાસ ક્યારે પૂરો થઈ શકે તેવો સવાલ વાલીઓને સતાવી રહ્યો
છે. - શિક્ષકોની ઉપલબ્ધતાનું યોગ્ય
આયોજન જરૂરી : વાલીઓના જણાવ્યા મુજબ ખરેખર તો શિક્ષણ વિભાગ
દ્વારા શાળાઓને મંજૂરી આપતી વખતે જરૂરી શિક્ષક મહેકમ અને વિષયવાર શિક્ષકોની ઉપલબ્ધતાનું
યોગ્ય આયોજન થવું જોઈએ. માત્ર કામચલાઉ વ્યવસ્થાથી શિક્ષણની ગુણવત્તા જાળવી શકાતી નથી.
તેથી કચ્છની શૂન્ય શિક્ષકવાળી માધ્યમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવામાં આવે, મંજૂર મહેકમ અને ખાલી જગ્યાઓની પારદર્શક માહિતી
આપવામાં આવે તથા કાયમી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગ જાગૃત વાલીઓમાંથી
ઊઠી રહી છે. - નિયમિત શૈક્ષણિક
વ્યવસ્થા સુનિશ્ચિત કરો : વિદ્યાર્થીઓના
ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે શિક્ષણ વિભાગ તાત્કાલિક પગલાં ભરે અને શાળાઓમાં નિયમિત
શૈક્ષણિક વ્યવસ્થા સુનિશ્ચિત કરે તેવો સૂર શિક્ષણ જગતમાંથીયે સંભળાઈ રહ્યો છે. - 10થી 12 વિદ્યાર્થી વચ્ચે ચાર-ચાર શિક્ષક
: એકતરફ ગુજરાતી મીડિયમ શાળાઓમાં પૂરતા અથવા
તો ક્યાંક સમૂળગા શિક્ષક નથી, તો બીજીતરફ
કેટલીક ગુજરાતી અને ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં જરૂર કરતાં વધુ શિક્ષક ફરજ બજાવી રહ્યા
છે. ભુજની ઓફ્રેડ હાઈસ્કૂલમાં ચાલતી સરકારી ઈંગ્લીશ મીડિયમ જ વાત કરીએ તો આ શાળામાં
ધો. 9 અને 10માં અંદાજે 10થી 12 વિદ્યાર્થી
વચ્ચે ચાર-ચાર શિક્ષક છે. આ ઇંગ્લિશ મીડિયમમાં
ગુજરાતી માધ્યમમાંથી આવેલા બે શિક્ષકો વ્યવસ્થાના ભાગરૂપે, જ્યારે એક જ્ઞાન સહાયક છે, જ્યારે એકની ભુજ તાલુકાના એક ગામમાંથી બદલી કરી મૂકાયા હોવાનું જાણવા મળી રહ્યું
છે. જોકે, આવી વ્યવસ્થાઓમાં વ્હાલાદવલાની નીતિ અપનાવી નજીકની
શાળાઓ માટે છાનેછપને `વ્યવહારો' થતા હોવાનાયે આક્ષેપો થઈ રહ્યા છે. દરમ્યાન
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે,
આખા જિલ્લામાં 179 જેટલી જગ્યા ખાલી હતી ત્યાં બી.એડ. પાસની ભરતી કરવામાં આવી છે
અને જ્યાં શૂન્ય શિક્ષકવાળી શાળા હતી, તેમાં જ્ઞાનસહાયક ઉપરાંત નજીકની શાળામાંથી શિક્ષકની વ્યવસ્થા હાલ પુરતી કરવામાં
આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હજુ પણ ટૂંક સમયમાં ગ્રેજ્યુએટ
પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવનારી છે, જેથી શિક્ષક ઘટની સમસ્યા
નિવારી શકાશે. શ્રી પરમારે વ્યવસ્થાઓમાં વ્હાલાદવલાની નીતિ અને `વ્યવહારો' અંગેના આક્ષેપો પાયાવિહોણા ગણાવી તેમના દ્વારા
પારદર્શક રીતે એકસાથે બદલીના ઓર્ડરો કરાયા હોવાનો દાખલો ટાંક્યો હતો.