નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી પેરિસનાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ઉદ્ઘાટન
સમારોહ દરમિયાન પીએમ મોદીએ `વસુધૈવ કટુંબકમ્'ની ભાવનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે,
આ મંદિર સદીઓ સુધી બન્ને દેશ વચ્ચે સહયોગ અને અતૂટ મિત્રતાનું પ્રતીક
બની રહેશે. પીએમ મોદીએ ભારત-ફ્રાન્સ સંબંધોની સરાહના કરતા કહ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે રણનીતિક ભાગીદારી વિશેષ રૂપથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભાગીદારી
લાંબા સમયથી ચાલ્યા આવતા સાંસ્કૃતિક અને રાજનીતિક સંબંધોના પાયા ઉપર ટકેલી છે. મોદીએ
કહ્યું હતું કે, હાલનાં વર્ષોમાં ભારત અને ફ્રાન્સના સંબંધ નવી
ઊંચાઈએ પહોંચ્યા છે. મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોંની સાથે મળીને બન્ને દેશ વિશેષ વૈશ્વિક
રણનીતિક ભાગીદારીને આગળ વધારી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશ ટેકનિક, એઆઈ, રક્ષા,
અંતરિક્ષ અને જળવાયુ જેવાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.