• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઈસરોનું ખાનગીકરણ નહીં થાય, મહત્ત્વ પણ નહીં ઘટે

નવી દિલ્હી, તા. 7 : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ઈસરો) દ્વારા અવકાશ ક્ષેત્રમાં પોતાની ભૂમિકા અને ખાનગીકરણ મુદ્દે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ઈસરોનું ખાનગીકરણ નહીં થાય અને તેનું મહત્ત્વ પણ ઘટશે નહીં. ઈસરોએ જણાવ્યું હતું કે, ભારતનાં અવકાશ કાર્યક્રમોમાં તે કેન્દ્ર બનેલું છે અને આધુનિક સંશોધનો, વ્યૂહાત્મક ક્ષમતાઓ, સમાનવ અંતરિક્ષ ઉડાન, આગામી પેઢીની લોન્ચ ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષણ સ્ટેશન અને ચંદ્ર સહિતનાં ગ્રહો ઉપર સંશોધનો જેવા રાષ્ટ્રીય પ્રયાસોનું તે નેતૃત્વ કરી રહ્યું છે. ભારતની વ્યાપક ઈકોસિસ્ટમ દેશનાં સ્પેસ વિઝન-2047ને સાકાર કરવા માટે જરૂરી અવકાશ પ્રદાન કરે છે. ઈસરોએ સોશિયલ મીડિયા ઉપર પોતાની એક પોસ્ટમાં સ્પષ્ટતા સાથે કહ્યું છે કે, મીડિયામાં કેટલા અહેવાલોમાં ઈસરોની ભાવિ ભૂમિકા સામે સંદેહ વ્યક્ત કરતાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે. જેમાં એવી અટકળો અને ખોટી જાણકારીઓ પણ સામેલ છે કે, ઈસરોનું ખાનગીકરણ કરવા કે પછી તેની ભૂમિકાને ઘટાડવાનાં પ્રયાસો થઈ રહ્યાં છે. ઈસરોએ ભારપૂર્વક કહ્યું હતું કે, આવા દાવાઓ સદંતર બેબુનિયાદ અને ખોટા છે. અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે ઈસરોનું ખાનગીકરણ પણ નહીં થાય અને તેનું મહત્વ પણ ઘટવાનું નથી. ઈસરો આધુનિક અંતરિક્ષ સંશોધનો અને ટેકનોલોજી ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક અભિયાનો, અંતરિક્ષ વિજ્ઞાન અને શોધ માટે ભારતની મુખ્ય સંસ્થા જ બની રહેશે.

Panchang

dd