અમદાવાદ/વડોદરા, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સકસેસનું ઉદ્ઘાટન કર્યું હતું. તો બોડેલીમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સહિત રાજ્ય સરકારના રૂા. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. મોદીએ અમદાવાદમાં જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન બનાવવાનું છે અને દેશ ટૂંક સમયમાં દુનિયાની આર્થિક તાકાત બનશે. જે તે સમયે દુનિયામાં ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું, પણ મેં સંકલ્પ લીધો હતો કે, ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધારીશ. બોડેલીમાં જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે, મારી પાસે પોતાનું ઘર નથી પણ અમારી સરકારની પહેલથી દેશની લાખો દીકરીઓ આવાસ મેળવી શકી છે. મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલાં વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજિનેશન અને ઇમ્પ્લિમેન્ટેશન જેવા પરિબળો વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે. તેમણે કહ્યું કે, 20 વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર નહીં હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! 2001 પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી, લાખો લોકોની બેહાલી અને તકલીફભર્યું જીવન હતું. મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી 133 જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો. વડાપ્રધાને આ સંદર્ભમાં કહ્યું કે, આવા મુસીબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુન:નિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે વડાપ્રધાનના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગિતા માટે તત્પર છે. તેના કારણે આજે ભારતમાં નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારના અવસરો આવી રહ્યા છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં પરિણામે આર્થિક વિકાસ સાથે સામાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચ્યો છે. આ સમિટે ગુજરાતની પ્રગતિના નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યાં છે. આજે ગુજરાત દેશનું અગ્રણી એક્સ્પોર્ટર સ્ટેટ છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી અનેક કંપનીઓ ગુજરાતમાં કારોબાર ધરાવે છે. આ પ્રસંગે જેટ્રો સાઉથ એશિયાના ડારેકટર જનરલ તાકાસી સુઝુકી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોએન્કાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં.