બિદડા (તા. માંડવી), તા. 6 : અહીંનું બિદડા
સર્વોદય ટ્રસ્ટ માનવસેવાની સાથે-સાથે અબોલ પશુઓની સેવામાંયે હંમેશાં તત્પર રહે છે, જે અંતર્ગત અકસ્માતનો ભોગ બનેલા કૂતરાએ પગ ગુમાવતાં
કૃત્રિમ પગ બેસાડાયો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટ
અને રિસર્ચ સેન્ટર દ્વારા ઘણા પ્રાણીઓના કૃત્રિમ પગ બનાવી અપાયા છે, તેવામાં સેન્ટર દ્વારા તાજેતરમાં એક કૂતરાને કૃત્રિમ પગ લગાવી જીવદયાનું ઉત્તમ
ઉદાહરણ પૂરું પડાયું છે. ટ્રસ્ટે પોતાની સેવા, માનવસેવા પૂરતી
સીમિત ન રાખી જીવદયા અંતર્ગત જે અબોલ પશુઓ પગ ગુમાવી દેતા હોય તો એ મુશ્કેલી નિવારણ
માટે પણ સંસ્થા (ટ્રસ્ટ) હંમેશાં તત્પર રહે છે. હાલમાં જ માર્ગ અકસ્માતમાં એક કૂતરાએ
પોતાનો આગળનો પગ ગુમાવ્યો હતો અને સેવાનું કાર્ય કરનારા મનુભાઇ ચુડાસમા દ્વારા તાત્કાલિક
ધોરણે અહિંસાધામમાં લઇ જવાયો હતો, જ્યાં ડો. હર્ષ સોલંકી દ્વારા
ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ એક પગ ન હોવાથી બિદડા સર્વોદય
ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરી જયા રિહેબ.ના
ડાયરેક્ટર મુકેશ દોશીનાં માર્ગદર્શન હેઠળ અને જયા રિહેબ.ના એડમિન ડો. લોગનાથનના માર્ગદર્શનથી
ડો. હેમંત અને તેમની ટીમ દ્વારા કૂતરાના કૃત્રિમ પગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ કાર્યમાં
સહભાગી બનેલા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી
હતી.