• સોમવાર, 07 જુલાઈ, 2025

સબાલેન્કા ક્વાર્ટર ફાઈનલમાં

લંડન, તા. 6 : વિમ્બલ્ડનમાં  સેન્ટર કોર્ટ પર એલિસ મેર્ટન્સને 6-4, 7-6 (7-4)થી હરાવીને આરીના સબાલેન્કાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સબાલેન્કાની આગામી ટક્કર લૌરા સિગમન્ડ સાથે થશે. બીજી તરફ સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં 100 જીત મેળવનારો દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં હમવતન ખેલાડી મિઓમિર કેકમાનોવિચ વિરુદ્ધ 6-3, 6-0 અને 6-4થી  વિજય મેળવ્યો હતો. વિમ્બલ્ડનમાં 100 જીત આ પહેલા માર્ટિના નવરાતિલોવા (120 જીત) અને રોઝર ફેડરર (10પ જીત) હાંસલ કરી ચૂકયા છે. જોકોવિચે તેના 24 ગ્રાંડસ્લેમ ટાઇટલમાંથી સાત ઓલ ઇંગ્લેન્ડ કલબમાં જીત્યા છે. પોતાની 20મી વિમ્બલ્ડન ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ રમી રહેલ 38 વર્ષીય જોકોવિચ ચોથા રાઉન્ડમાં 11મા નંબરના ઓસ્ટ્રેલિયાના ખેલાડી એલેકસ ડિ મિનોરનો સામનો કરશે. પોલેન્ડના કામિલ મજક્ર્ઝાકને હરાવીને કરેન ખાચાનોવ ક્વાર્ટરમાં આગળ વધ્યો છે, જ્યારે જોર્ડન થોમ્પસન ઈજાને કારણે નિવૃત્ત થયા બાદ ટેલર ફ્રિટ્ઝ પણ ક્વાર્ટરમાં આગળ વધ્યો છે, જ્યારે ફ્રિટ્ઝને વોકઓવર મળ્યો ત્યારે તે 6-1, 3-0થી આગળ હતો. 2024 યુએસ ઓપનના રનર-અપનો આગામી મુકાબલો ક્વાર્ટરમાં કરેન ખાચાનોવ સાથે થશે. તો 2014ના યૂએસ ઓપન વિજેતા ક્રોએશિયાના મારિન સિલિચનો ત્રીજા રાઉન્ડમાં સ્પેનના જોમ મુનાર સામે 6-3, 3-6, 6-2 અને 6-4થી વિજય થયો હતો.  મહિલા વર્ગમા આઠમા નંબરની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેકનો અમેરિકાની ડેનિયલ કોલિન્સ વિરુદ્ધ 6-2 અને 6-3થી વિજય થયો હતો. ઝેક ખેલાડી બારબોરા ક્રેઝિકોવાને અમેરિકી ખેલાડી એમ્મા નવારોએ 2-6, 6-3 અને 6-4થી હાર આપી હતી. તેણી હવે ચોથા રાઉન્ડમાં રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવાનો સામનો કરશે. અનાસ્તાસિયા પાવલ્યુચેન્કોવાએ સેન્ટર કોર્ટ પર સોનાય કાર્ટલને 7-6 (7-3), 6-4 થી હરાવ્યું છે. પાવલ્યુચેન્કોવાનો આગામી મુકાબલો લિન્ડા નોસ્કોવા અને અમાન્ડા એનિસિમોવા વચ્ચેના મેચના વિજેતા સામે થશે. 

Panchang

dd