• સોમવાર, 07 જુલાઈ, 2025

રોજગારી અને રાજકારણ

રોજગાર સર્જનને ઉત્તેજન આપવા અને ઔદ્યોગિક સંશોધનને જોમ આપવા માટે કેન્દ્ર સરકારે રૂા. એક-એક લાખ કરોડની બે યોજના જાહેર કરી છે. રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના મારફત ઓગસ્ટ-2025થી જુલાઈ-2027નાં બે વર્ષમાં 350 લાખ નોકરી પેદા કરવાની સરકારની નેમ છે, જેમાંથી 192 લાખ પ્રથમ વખત નોકરી મેળવનારા હશે. આ યોજના અન્વયે સંગઠિત ક્ષેત્રે નોકરીમાં દાખલ થનારા પ્રત્યેક નવા કર્મચારીને રૂા. 15,000 સુધીનો એક મહિનાનો પગાર બે ટુકડે બક્ષિસ તરીકે અપાશે. આ જ યોજનાના બીજા હિસ્સામાં માલિકોને નવા ભરતી કરેલા પ્રત્યેક કર્મચારી દીઠ બે વર્ષ સુધી મહિને રૂા. 3000 પ્રોત્સાહન તરીકે અપાશે. સરકારી પ્રોત્સાહનો દ્વારા સાડા ત્રણ કરોડ નોકરી પેદા કરવાનો લક્ષ્યાંક વધુ પડતો આશાસ્પદ લાગે છે. વાસ્તવમાં આ યોજના ગયાં વર્ષનાં બજેટમાં જાહેર થઇ હતી. આ તેનું પાણી નાખેલું સ્વરૂપ છે. તેજસ્વી અર્થશાસ્ત્રી અને પત્રકાર સ્વામીનાથન ઐયરે ગયે વર્ષે મુંબઈમાં કેટલાક ઉદ્યોગપતિઓને સીધું જ પૂછયું કે, આ જાહેરાતોને પગલે તમે કેટલા નવા માણસોને નોકરીએ રાખશો? જવાબ મળ્યો કે, એક પણ નહીં. અમે ઓફિસમાં કે ફેક્ટરીમાં જેટલા લોકોની જરૂર હશે એટલા જ રાખીશું. સરકારી સબસિડીનો લાભ લેવા વધારાનો માણસ નહીં રાખીએ. સબસિડી નવા કર્મચારીનો બધો ખર્ચ પૂરો પાડતી નથી અને પાડે તો પણ કામ વગરનો માણસ ઓફિસનું વાતાવરણ બગાડવા સિવાય કશું કરવાનો નથી. એક જણે કહ્યું કે, મને ચીનના માલ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી જોઈએ છે, નવી ભરતી માટેની સબસિડી મને કામ નહીં લાગે. બીજાએ કહ્યું કે, મને કુશળ ઘડાયેલા કારીગરો જોઈએ, નવાસવા ન ચાલે. એક આડવાત. માલિકોને પ્રોત્સાહન અપાય તે સમજાય, પણ નોકરી મેળવનારાને શા માટે આપવાનું? લાખો યુવાન સંગઠિત ક્ષેત્રે નોકરી મેળવવા આતુર છે. તેમને આવી બક્ષિસની જરૂર જ નથી.  આનો અર્થ એવો નથી કે, આ યોજનાઓ કાગળ પર જ રહેશે. ઉદ્યોગપતિઓ સબસિડી વગર પણ જે ભરતી કરવાના હતા, તે તો કરશે જ અને પછી સરકાર પાસે સબસિડી માગશે. સરકાર તેને પોતાની નીતિની સફળતા ગણાવશે. માત્ર પ્રોત્સાહનોને કારણે ખરેખર કેટલી નવી રોજગારી  પેદા થઇ તે કદી જાણી શકાશે નહીં અને જાણવાની જરૂર પણ કોને છે? નોકરી મેળવનારા, આપનારા અને અપાવનારા સૌ ખુશ હશે. એનું નામ રાજકારણ. ભારતમાં રોજગારી આડેના ખરા અવરોધો બહુ જાણીતા છે. આવી યોજનાઓ વડે તેમને પાર કરી શકાય તેમ નથી. જો ધંધાકીય વાતાવરણ વધુ પારદર્શક, આગાહીપાત્ર અને રોકાણને-અનુકૂળ બને તો કંપનીઓને ઉત્પાદન વધારવાનો અને નવી ભરતીનો ઉત્સાહ રહે. બીજી જરૂરિયાત કુશળ કારીગરોની ઉપલબ્ધિની છે. એક તરફ લાખો શિક્ષિત બેકારની મોટી ફોજ છે અને બીજી બાજુ મોટા ભાગના ઉદ્યોગોમાં યોગ્ય કુશળ કારીગરો મળતા નથી.  આ ખાઈ પૂરવા માટે શિક્ષણ ક્ષેત્રની આમૂલ સુધારણા કરવી પડે. પુસ્તકિયાં જ્ઞાનને બદલે વ્યવસાયી કૌશલ્યનાં ઘડતર પર ભાર મૂકનારી વ્યવસ્થા વિકસાવવી પડે. ત્રીજી જરૂરિયાત આખા દેશમાં સમાનપણે લાગુ પડતા લવચીક કામદાર કાયદાઓની છે. હાલના કાયદા એટલા બધા કામદારતરફી છે કે, નવી ભરતી કરતાં પહેલાં માલિકો બેવાર વિચાર કરે, તેથી નિયમિત નોકરીને બદલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. મોદી સરકારે તૈયાર કરેલા સુધારિત ચાર શ્રમિક કાયદામાં પણ આનો ઉકેલ નથી અને તે પણ હજી અમલમાં મૂકાયા નથી. 

Panchang

dd