• શનિવાર, 05 જુલાઈ, 2025

રેલવેમાં નજીવો ભાડાંવધારો

પાંચ વર્ષના અંતરાલ બાદ રેલવે મંત્રાલય પેસેન્જર ટ્રેનોના ભાડામાં વધારો કરનાર છે. પ્રાપ્ય અહેવાલો મુજબ મેઈલ/એક્સપ્રેસ ટ્રેનોનાં ભાડાંમાં કિલોમીટર દીઠ એક પૈસાનો, એર કન્ડિશન્ડ ટ્રેનોનાં ભાડાંમાં કિલોમીટર દીઠ બે પૈસાનો અને 500 કિલોમીટર સુધીના એસી સેકન્ડ કલાસનાં ભાડાંમાં કિલોમીટર દીઠ અડધા પૈસાનો વધારો થવાનો છે. 500 કિલોમીટર સુધીની ઓર્ડિનરી સેકન્ડ ક્લાસ મુસાફરી તેમજ ઉપનગરની ટ્રેનો અને સિઝન પાસના દરોમાં કોઈ વધારો નહીં થાય. કોઈ પણ એંગલથી જોતાં પ્રસ્તાવિત ભાડાંવધારો નજીવો અને અપૂરતો છે. પેસેન્જરોએ ફરિયાદ કરવાનું કારણ નથી. આ ભાડાંવધારાથી રેલેવને વર્ષે રૂા. 920 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે, જે તેની આ વર્ષની રૂા. 92,800 કરોડની અંદાજિત પેસેન્જર આવકના એક ટકાથી પણ ઓછી  છે. આ વર્ષે બજેટનો લક્ષ્યાંક ચુકાઈ જવાની શક્યતા જોઈને રેલવેએ ભાડાં વધારવાનું નક્કી કર્યું છે. પેસેન્જર મુસાફરીનો રેલવેનો ખર્ચ દર વર્ષે બે-ત્રણ ટકાના દરે વધી રહ્યો છે. દાયકાઓથી રેલવે માલ પરિવહનના ભાડાં વધારે રાખીને પેસેન્જર પરિવહનને સબસિડી આપતી રહી છે. આ એપ્રિલમાં રેલવેએ કહ્યું હતું કે, દરેક પેસેન્જરને સરેરાશ 46 ટકા સબસિડી મળે છે. ખાસ કરીને સામાન્ય મુસાફરી પરની આટલી બધી સબસિડી લાંબો સમય ચાલી ન શકે. માંડ વીસેક ટકા પ્રવાસીઓ એસીમાં પ્રવાસ કરે છે, પરંતુ ભાડાંની પચાસ ટકા આવક તેઓ પૂરી પાડે છે. ઉચ્ચ વર્ગની લક્ઝરી ટ્રેનોનાં ભાડાં વધારવાં આસાન નથી, કેમ કે, તેમણે વિમાની પ્રવાસ સાથે સ્પર્ધા કરવી પડે છે. ઉતારુઓને અપાતી સબસિડીને કારણે રેલવેને બે પ્રકારનું નુકસાન થાય છે. એક, તેનો ઓપરેટિંગ રેશિયો (કુલ ખર્ચની આવકમાં ટકાવારી) વધી જાય છે. 2024-25માં રેલવેનો ઓપરાટિંગ રેશિયો 98.9 ટકા હતો. અર્થાત દર 100 રૂપિયાની આવકમાંથી 98.9 રૂપિયા ખર્ચાઈ જતા હતા. બીજું, માલ પરિવહનનાં ભાડાં ઊંચાં રહેવાથી રેલવેનું પરિવહન બિનસ્પર્ધાત્મક બને છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં રેલવેની આવક બહુ ધીમી ગતિએ વધે છે. 2013-14થી અત્યાર સુધીમાં રાષ્ટ્રીય આવક લગભગ ત્રણગણી થઇ ગઈ છે, જ્યારે રેલવેની પેસેન્જર ભાડાંની આવક 100 ટકા અને માલવહનની આવક 94 ટકા જ વધી છે. પેસેન્જરોની સંખ્યામાં 27 ટકાનો અને માલવહનના જથ્થામાં 40 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ કે, ઉતારુઓ અને કન્ટેનર કાર્ગો સહિતનું માલપરિવહન એ બંને મોરચે રેલવે રોડ ટ્રાન્સપોર્ટ અને બંદરો સામે હારી રહી છે.  મોદી સરકારને જે રેલવે વિરાસતમાં મળી તે ખાયકી, બગાડ, અણઆવડત અને ઓવરસ્ટાફિંગ માટે બદનામ હતી. હવે તેમાં ઘણો સુધારો થયો છે. રેલવે ખાતું ઉચ્ચ વર્ગની પેસેન્જર ટ્રેન સેવાઓ વધારવાનું વિચારી રહ્યું છે, કેમ કે, તેમનાં ભાડાં ખર્ચ કરતાં વધુ રાખી શકાય છે. વિદેશી સહાયથી બનેલા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જ્યાં ડબલસ્ટેક કન્ટેનરો લઇ જઈ શકાય છે અને જૂની માલગાડીઓ કરતાં ચારગણી ઝડપે માલનું વહન કરી શકાય છે તે નફાકારક બની શકે તેમ છે. તેનાં ફળ દેખાવાં લાગ્યાં છે. કાર ઉત્પાદકો કારની રવાનગી માટે રેલવેને પસંદ કરવા લાગ્યા છે. રેલવેના સંચાલન, વિસ્તરણ અને સુધારણા માટે જંગી મૂડીરોકાણ જરૂરી છે. માફકસરના ભાડાંવધારા ઉપરાંત તે નવાં નફાકેન્દ્રોનું સર્જન, બજારનો વિકાસ અને સુવિચારિત ખાનગીકરણનો આશ્રય લઇ શકે. 

Panchang

dd