વોશિંગ્ટન, તા. 5 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે 12 દેશોને નોંધીને પત્ર લખી નાખ્યા
છે, જેમાં ઉલ્લેખ છે કે આ દેશો ઉપર કેટલો ટેરિફ
લાદવામાં આવશે. પછી ભલે કોઈ દેશને ટેરિફનો સ્વીકાર હોય કે અસ્વીકાર હોય. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે. ટેરિફને લઈને તૈયાર પત્રો સોમવારે મોકલવામાં આવશે. આ
પ્રસ્તાવ ઉપર કોઈ વાટાઘાટ કરવામાં આવશે નહીં, પત્રનો સ્વીકાર
કે અસ્વીકાર કરી શકાશે. રિપોર્ટ અનુસાર ન્યુજર્સીના રસ્તે એર ફોર્સ વનમાં પત્રકારો
સાથે વાતચીત કરતા ટ્રમ્પે ક્યા દેશોને પત્ર
મોકલવાના છે તેની સ્પષ્ટતા કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સોમવારે નામ
બતાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓએ અમુક પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે અને
તે સોમવારે જારી કરવામાં આવશે. સંભવત: 12 વાગ્યા આસપાસ જાહેર કરાશે. આ દેશો ઉપર અલગ અલગ ટેરિફ લાદવામાં
આવ્યા છે. અગાઉ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, પત્રોનો પહેલો બેચ શુક્રવારે મોકલવામાં આવશે.
જો કે અમેરિકામાં રાષ્ટ્રીય રજાનો દિવસ હોવાથી કામગીરી ટાળવામાં આવી હતી અને હવે સોમવારે
પત્રો મોકલાશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆતે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે 200થી વધારે
દેશ ઉપર ટેરિફનું એલાન કર્યું હતું. બાદમાં 90 દિવસ માટે ટેરિફ ઉપર બ્રેક મૂકી હતી અને 10 ટકા બેસ ટેરિફ નક્કી થયો હતો.
હવે નવ જુલાઈએ ડેડલાઈન પૂરી થઈ રહી હોવાથી ફરી એક વખત ટેરિફની ચર્ચા શરૂ થઈ છે.