ભારત સામેના નાપાક કારસામાં પાકિસ્તાનને સીધો કે આડકતરો સહયોગ
અને સમર્થન આપતાં ચીન અને તુર્કીએ ઓપરેશન સિંદૂર દરમ્યાન પણ ખુલ્લેઆમ પોતાની આ નીતિ-રીતિને
અનુસરીને આ મર્યાદિત જંગનાં નવાં પરિમાણો છતાં કર્યાં છે. આમ ભારતે આ ઓપરેશન દરમ્યાન એકલાં પાકિસ્તાન નહીં, પણ ત્રણ દુશ્મનની સામે જંગ આદર્યો હોવાની ચોંકાવનારી
વિગતો છતી થઈ રહી છે. આ નવા પડકાર સામે ભારતે વધુ સજ્જતા અને નવી અસરકારક વ્યૂહરચના તૈયાર કરવાની તાકીદની
જરૂરત વર્તાઈ રહી છે. આમ તો રાજદ્વારી રીતે લાંબા સમયથી કહેવાતું આવ્યું છે
કે, પાકિસ્તાનને ચીન અને તુર્કીએ ભારે મદદ કરી હતી. હવે વાતની
ખરાઈ ભારતીય લશ્કરના નાયબ વડા લેફ. જનરલ રાહુલ સિંહે કરેલા ઘટસ્ફોટથી થઈ જાય છે. લેફ. સિંહના જણાવ્યા મુજબ મે મહિના દરમ્યાન ચાર
દિવસ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સશત્ર સંઘર્ષ દરમ્યાન ચીને તેના અલગ-અલગ શત્ર
સરંજામ અને સિસ્ટમનાં પરીક્ષણ કરાવ્યાં હતાં. આ માટે ચીને પાકિસ્તાનને આ શત્રો ભારત
વિરુદ્ધ ઉપયોગ કરવા આપ્યાં હતાં, તેની સાથોસાથ તુર્કીએ આ ઓપરેશન
સિંદૂર દરમ્યાન પાકિસ્તાનને ડ્રોન અને અન્ય શત્રો સાથે દારૂગોળો પૂરો પાડયો હતો. આમ
ચીન અને તુર્કીએ પાકિસ્તાનના ખભે બંદૂક મૂકીને ભારત સામે મોરચો ખોલ્યો હતો. બિજિંગે
ભારતને નુકસાન પહોંચાડવા પાકિસ્તાનને તમામ પ્રકારની મદદ કરી હતી. આમાં ચીન તેના ઉપગ્રહો
વાટે ભારતીય લશ્કરની તમામ ગતિવિધિ પર અવકાશમાંથી નજર રાખીને તેની વિગતો પાકિસ્તાનને
સતત આપતું હતું. ભારતીય લશ્કરી તૈયારીની વિગતો ચીન પાકિસ્તાનને નવી દિલ્હી સાથે ડીજીએમઓ
સ્તરની વાટાઘાટો દરમ્યાન પર પૂરી પાડતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઉલ્લેખનીય
છે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન પાકિસ્તાને જે શત્ર સરંજામ
વસાવ્યો છે, તેમાંથી 81 ટકા ચીની બનાવટનો છે. ચીન પાકિસ્તાનને સજ્જ કરીને અને વૈશ્વિક
રીતે તેને સત્તા સમર્થન આપીને ભારતની સામે પડકાર વધારવાની નીતિ અનુસરે છે. આમ આગામી
દિવસોમાં ચીનનાં પાકિસ્તાની તરફી વલણની વધુ ચોંકાવનારી હકીકતોનો ઘટસ્ફોટ થાય તો નવાઈ
પામવા જેવું નથી. ભારતે આ હકીકતોને ધ્યાનમાં લઈને ભારતે હવે એક સાથે ત્રણ દુશ્મનના
સામના માટે સતત સજ્જ રહેવાની ખાસ જરૂરત સામે
આવી છે. ભારતે પોતાની શત્ર સજ્જતા વધારવાની સાથોસાથ ટેક્નોલોજીનાં માળખાંને પણ સતત
મજબૂત કરીને આ ત્રણે દુશ્મનની સામે એક સાથે બાથ ભીડવાની હવે નવી વ્યૂહરચના ઘડી કાઢવી
જોઈએ. ભારતે અમેરિકાનાં વલણને જોતાં મિત્રતાના અને દુશ્મનાવટના સમીકરણો પણ સતત ધ્યાને
લેવાં જોઈએ. વિવિધ સ્તરની ટેક્નોલોજીના સમન્વય
થકી સંરક્ષણક્ષેત્રને વધુ ને વધુ અભેદ્ય બનાવવા તાકીદનાં પગલાં લેવાની કમર કસવી જોઈએ.
જે રીતે લશ્કરના નાયબ વડાએ વિગતો છતી કરી છે, તે જોતાં ભારતે આ માટે પગલાં લેવાં શરૂ કરી દીધાં હશે, એવી અપેક્ષા રાખી શકાય.