ન્યૂયોર્ક, તા. 6 (પીટીઆઈ) : અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો નાટકીય રીતે ખતમ થયા બાદ વિશ્વના સૌથી ધનાઢય ઉદ્યોગપતિ
એલન મસ્કે નવા રાજકીય પક્ષની જાહેરાત કરતાં યુ.એસ.નાં રાજકારણમાં હલચલ મચી હતી. સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર નવી અમેરિકા પાર્ટીની ઘોષણા કરતાં મસ્કે
લખ્યું હતું કે, તેમણે દેશમાં બે પક્ષની વ્યવસ્થામાં પરિવર્તન
માટે અને અમેરિકનોને તેમની આઝાદી પાછી અપાવવા માટે નવો પક્ષ રચવાનો નિર્ણય લીધો છે.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કે લખ્યું હતું કે, આપણો દેશ
ભ્રષ્ટાચારથી બરબાદ અને દેવાળિયો થઈ રહ્યો છે અને આપણે એક પક્ષની સિસ્ટમમાં જીવી રહ્યા
છીએ. મેં નવા રાજકીય પક્ષને લઈને એક સર્વે કરાવ્યો હતો, જેમાં
બે તૃતિયાંશ લોકોએ નવી પાર્ટીને સમર્થન આપ્યું હતું. મસ્કે જો કે, આ પક્ષનું રજિસ્ટ્રેશન
કરાવીને તેને કાયદેસર સ્વરૂપ અપાશે કે કેમ તેની હજી સ્પષ્ટતા કરી નથી. થોડા સમય પહેલાં
જ ટ્રમ્પ સાથે ભારતીયો સહિતના અમેરિકામાં રહેતા લોકો પર મોટી અસર પાડી શકે તેવા રેમિટન્સ
પર વેરા અંગેના બિગ બ્યૂટીફૂલ બિલ સહિતના અમુક મુદ્દે મસ્કના મતભેદો સર્જાતાં તેમણે
અમેરિકી સરકારનો કાર્યદક્ષતા વિભાગ છોડી દીધો હતો અને મસ્ક તેમજ ટ્રમ્પ જાહેરમાં બાખડયા
હતા. મસ્કે નવા રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરી હતી. શું તેઓ
અમેરિકામાં 2028ની ચૂંટણી
લડવાની કે આગામી વર્ષે આયોજિત મધ્યસત્ર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, એવા એક યુઝરના સવાલના જવાબમાં મસ્કે લખ્યું
હતું કે, આગામી વર્ષે. જેને લીધે અટકળો વધી છે. મસ્કે જણાવ્યું
હતું કે, અમેરિકામાં વર્ષોથી બે જ પક્ષની વ્યવસ્થા છે અને બંનેની
આર્થિક નીતિઓ સમાન છે. અમેરિકાને બરબાદ કરવાની વાત આવે ત્યારે બંને પક્ષ સમાન છે અને
હવે દેશને નવા પક્ષની જરૂર છે.