બર્મિંગહામ, તા. 6 : શુભમન ગિલના
નેતૃત્વમાં યંગ ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જીને બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 336 રનના વિક્રમી રન અંતરથી યાદગાર
વિજય હાંસલ કર્યો છે. 608 રનના વિજય
લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ મેચના આખરી દિવસે 271 રને ધરાશાયી થઇ હતી. બીજા દાવમાં આકાશ દીપે કાતિલ બોલિંગ કરી
99 રનમાં 6 વિકેટ લીધી હતી. મેચમાં તેના નામે કુલ 10 વિકેટ થઇ હતી. એજબેસ્ટન ટેસ્ટના
ઐતિહાસિક વિજયથી ભારતે પાંચ ટેસ્ટ મેચની તેંડુલકર-એન્ડરસન ટ્રોફી 1-1થી બરાબર કરી છે. મેચમાં વિક્રમી
430 રન કરનારો શુભમન પ્લેયર ઓફ
ધ મેચ જાહેર થયો હતો. એજબેસ્ટનમાં ભારતે પ8 વર્ષથી ચાલ્યો આવતો જીતનો દુકાળ ખતમ કર્યો હતો. બર્મિંગહામના
એજબેસ્ટેન સ્ટેડિયમમાં ટેસ્ટ જીત મેળવનાર ભારત એશિયાની પહેલી ટીમ બની છે. ઇંગ્લેન્ડ
સામેનો 336 રનનો વિજય ભારતનો વિદેશમાં
રન અંતરથી સૌથી મોટો વિજય છે. અગાઉ 2019માં એન્ટીગુઆમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ 318 રને વિજય નોંધાવ્યો હતો. શુભમન
બ્રિગેડે એજબેસ્ટેન મેદાન ઐતિહાસિક વિજય હાંસલ કરીને ઇંગ્લેન્ડનું ઘમંડ તોડયું હતું.
ભારતની આ જીત જાન્યુઆરી-2021માં ઓસ્ટ્રેલિયા
વિરૂધ્ધ બ્રિસબેનના ગાબા મેદાનમાં મળેલી જીત સમાન ગણાય છે. 608 રનના વિજય લક્ષ્યાંક સામે બીજા
દાવમાં ઇંગ્લેન્ડના જેમી સ્મિથ સિવાયના તમામ બેટધર ભારતની બોલિંગ સામે ઘૂંટણિયે પડી
ગયા હતા. વિકેટકીપર સ્મિથે 99 દડામાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાથી 88 રનની ઈનિંગ્સ રમી હતી. જયારે
બેન ડકેટ 2પ, સ્ટાર જો રૂટ 6, હેરી બ્રુક
23, કપ્તાન બેન સ્ટોકસ 33, ક્રિસ વોકસ 7, બ્રાયડન કાર્સ 38, જોશ ટંગ 2 રને આઉટ થયા હતા. બશીર 12 રને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ
ટીમ 68.1 ઓવરમાં 271 રને ઓલઆઉટ થઇ હતી. આકાશદીપની
6 વિકેટ સિવાય સિરાજ, પ્રસિધ્ધ, વોશિંગ્ટન અને
જાડેજાને 1-1 વિકેટ મળી
હતી. આ પહેલા આજે વરસાદને લીધે પાંચમા દિવસની
રમત લગભગ એક કલાક પછી શરૂ થઇ હતી. ઇંગ્લેન્ડે તેનો દાવ 3 વિકેટે 72 રનથી આગળ વધાર્યો હતો. પ્રારંભે જ આકાશદીપ ત્રાટકયો હતો. તેણે
બે ઓવરમાં જો રૂટ અને ઓલિ પોપના શિકાર કરીને ભારતનો વિજયનો માર્ગ બનાવ્યો હતો.