ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના એક ગામમાં છેલ્લા
એકાદ મહિનાથી એક મહિલાને ઘરમાં પૂરી રખાઇ હોવાની જાણનાં પગલે 181 અભયમ્ની ટીમ ત્યાં દોડી જઇને
મહિલાને મુક્ત કરાવી હતી. આદિપુરની 181ની ટીમને ગઇકાલે એક ફોન આવ્યો હતો જેમાં એક મહિલાને એકાદ મહિનાથી
ઘરમાં બંધ રાખવામાં આવી હોવાની જાણ કરાઇ હતી જેથી અભયમ્ની ટીમ ત્યાં પહોંચી હતી અને
તપાસ કરતાં મહિલાને બહાર લાવવામાં આવી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં અગાઉ તેણે
પ્રેમલગ્ન કર્યાં હતાં, બાદમાં તે
પિયર જતાં પરિવારજનોને લગ્ન પસંદ ન પડતાં તેમણે દલાલ મારફતે આ મહિલાની મરજી વિરુદ્ધ તેના બીજાં લગ્ન અહીં કરાવી દીધાં હતાં. આ મહિલાના અગાઉ લગ્ન
થયાં હોવાનું અહીંના તેના સાસરિયાઓને ધ્યાને આવતાં તેમણે મહિલાને એક મહિનાથી ઘરમાં
બંધ રાખી હતી અને મારપીટ પણ કરાતી હતી. મહિલાના પિયર પક્ષ સાથે અભયમે વાત કરતાં અમારી
દીકરી નથી, તેને મારી નાખો અને મદદનો ઇન્કાર કર્યો હતો. તેના
સાસરિયાએ પણ રાખવાની મનાઇ કરી દીધી હતી. આ પીડિતાએ પહેલાં પતિનો નંબર આપતાં 181એ તેને ફોન કરતાં તેણે પત્નીને
લેવાની તૈયારી દર્શાવી હતી. છેલ્લા બે દિવસથી ભૂખ્યા આ મહિલાને અભયમ્ની ટીમે જમાડયા
હતા અને પતિ પાસે જવા માટે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી આપી હતી. મહિલાએ પતિ પાસે પહોંચ્યા
બાદ 181ની ટીમને વીડિયો કોલ કરીને
આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં અભયમના કાઉન્સિલર નીરૂપાબેન બારડ તથા મહિલા
પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર જોડાયા હતા.