ગાંધીધામ, તા. 6 : ભચાઉના શક્તિનગર રામવાડી વિસ્તારમાં
એક શિક્ષક દંપતીના ઘરનાં તાળાં તોડી ધોળા દિવસે એક મહિલા અને શખ્સે રોકડ રૂા. 15,000ની ચોરી કરી હતી. શિક્ષક ઘરે
પહોંચતાં તેમને ધક્કો મારી અજાણી મહિલા અને શખ્સ નાસી ગયા હતા. ભચાઉના શક્તિનગર રામવાડી
વિસ્તારમાં રહેતા ફરિયાદી કલ્પેશ કુમાર જયંતીલાલ ઠક્કર વોંધની સરકારી શાળામાં શિક્ષક
તરીકે તથા તેમના પત્ની ડેનિશાબેન ભચાઉની શાળા નંબર 13માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષક દંપતી ગઇકાલે સવારે
પોતાની ફરજ ઉપર ગયા હતા તેવામાં ફરિયાદી પોતાના ચશ્માં ઘરે ભૂલી ગયા હતા. બાદમાં તાલુકા
પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને ફોન કરીને તાલુકા પંચાયત કચેરીએ હાજર રહેવા જણાવ્યું
હતું. જેથી ફરિયાદી પોતાના ચશ્મા લેવા ઘરે ગયા હતા,
જ્યાં લોખંડનો દરવાજો ખોલીને અંદર જતાં મુખ્ય દરવાજાનું તાળું અને સેફટી
લોકની પટ્ટી તૂટેલી તથા દરવાજો અર્ધ ખૂલેલો જણાયો હતો. ગભરાયેલા ફરિયાદી ધીમે ધીમે
અંદર જતાં બેડરૂમમાં દરવાજા પાસે કાળા રંગના કપડાં પહેરીલી મહિલા દેખાઇ હતી જેથી ફરિયાદીએ
કોણ છો તેવું પૂછતાં બેડરૂમના પાછળના દરવાજેથી 20થી 25 વર્ષીય અજાણ્યો શખ્સ બહાર આવ્યો હતો અને પાછળના દરવાજાથી નાસવાની
કોશિશ કરતાં ફરિયાદી તેને પકડવા જતાં મહિલાએ ફરિયાદીને ધક્કો આપીને નીચે પાડી દીધો
હતો અને બાદમાં બંને નાસી ગયા હતા. ભોગ બનનારે પોતાના ઘરમાં તપાસ કરતાં તેમના મકાનમાંથી
રોકડ રૂા. 15,000ની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું
હતું. આ ચોર મહિલા-શખ્સ એક થેલી મૂકીને નાસી ગયા હતા. થેલી તપાસ કરતાં તેમાં બે મોબાઇલ
ચાર્જર અને બે કપડાં જોડી હોવાનું બહાર આવ્યું હતું,
જે પ્રકાશ કુમાર પ્રવીણ ઠક્કરના ઘરમાંથી ચોરાયા હોવાનું બાદમાં પ્રકાશમાં
આવ્યું હતું. આ મહિલા શખ્સ અનેક જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ બંનેને પકડી
પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ભચાઉમાં વધતા જતા ચોરીના બનાવોને પગલે લોકોમાં
ભારે ચકચાર પ્રસરી છે.