• સોમવાર, 07 જુલાઈ, 2025

ભુજમાં રાત્રે બે ઇંચ, ગઢશીશામાં ધોધમાર ચાર ઇંચ

ભુજ, તા. 6 : સમગ્ર જિલ્લામાં અવિરત રહેલી મેઘસવારીથી ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, બન્ની સહિતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસતાં ધરતી વધુ પુલકિત બની છે. રણની શાંત ભૂમિ પર વરસતા વરસાદે કુદતરને પ્રાણ આપ્યા હોય તેમ નદીઓમાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચારેબાજુ લીલીછમ જાજમ પથરાઇ છે. ઠેર ઠેર તળાવો ઓગનતાં વધામણીની ઉજવણીનો માહોલ સર્જાયો છે. સારા વરસાદને પગલે નવા આશાવાદ સાથે ખેડૂતો ખેતરમાં ઊતરી આવ્યા હતા. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતાં ખેડૂતો વાવણીમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. ભુજમાં રાત્રે 8.30 વાગ્યાથી ધીમીધારે વરસાદ પડયો હતો. ચાર કલાકથી વધુ સમય સુધી બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. તો ગઢશીશામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડયો હતો. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે વીજ પુરવઠો અને રસ્તા-માર્ગોમાં અંશત: અડચણો સર્જાઇ હતી. ગ્રામજનો તેમજ બાળકો પણ વરસાદનો લખલૂટ આનંદ માણતા જોવા મળ્યા હતા. મોરના ટહુકા, ઝરણાઓની ધબક અને ખીલેલી લીલીછમ પ્રકૃતિના નજારા કેમેરામાં કેદ કરાયા હતા. જિલ્લા કન્ટ્રોલ રૂમ કચ્છમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 8 વાગ્યા સુધીમાં રાપરમાં 18 મિ.મી., માંડવીમાં પાંચ મિ.મી., મુંદરામાં 6 મિ.મી., ભુજમાં રાત્રે 12 સુધી 44 મિ.મી., ભચાઉ 13 મિ.મી., ગાંધીધામમાં પાંચ તથા અંજારમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. મોડીરાતના ભુજના દેશલપર વાંઢાય, માનકૂવા ઉપરાંત નખત્રાણાના અનેક ગામમાં વરસાદી મહેર હતી. - ભુજમાં રાત્રે ધોધમાર : ભુજમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં પલટો આવતાં સાંજે અમીછાંટણા બાદ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. વરસાદી ઝડીથી લેકવ્યૂ, મંગલમ્ ચારરસ્તા, જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. સાંજની રોનક બાદ રાત્રિ રોકાણ કરશે તેવી સંભાવના સાથે રાત્રે નવ વાગ્યે બીજા રાઉન્ડમાં ફરી ધીમીધારે મેઘવર્ષાએ રંગ જમાવ્યો હતો, તો રાત્રે દસ વાગ્યા બાદ મેઘરાજાએ સ્પીડનું ગિયર બદલ્યું હોય તેમ રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ચોમેર પાણી-પાણીનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. આ લખાય છે ત્યારે રાત્રે 12 વાગ્યે પણ આ વરસાદી હેલીનો માહોલ બરકરાર રહ્યો છે.  - ગઢશીશામાં મીઠી ઝડી : પ્રતિનિધિ જીજ્ઞેશ આચાર્યના જણાવ્યા મુજબ ગઢશીશામાં બપોર પછી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શરૂઆતમાં હળવા ઝાપટાં બાદ મેઘમહેર વરસાવી હતી અને ગલીઓમાં પૂરજોશમાં જળ પ્રવાહ વહી નીકળ્યો હતો. - શુક્રવાર સુધી અવિરત આગાહી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ આજે ઓરેન્જ એલર્ટ હોવાનું જણાવ્યું હતું. 11 જુલાઇ સુધી સમગ્ર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે 30-40 કિ.મી. પ્ર.કિ. પવન ફૂંકાવાની શક્યતા સાથે હળવા વરસાદ કે ઝાપટાંની આગાહી કરાઇ છે. - હાજીપીર રસ્તે વરસાદથી વાહોની ખરાબ સ્થિતિ : હાજીપીરનો રસ્તો વધુને વધુ ખરાબ બનતો જાય છે. વરસાદને પગલે ખરાબ રસ્તો વધુ ખરાબ થયો છે. ટ્રેઈલરના એક ટાયરનો જોટો છૂટો પડી જતાં અન્ય ટાયરના જોટા વચ્ચે ફસાઇ ગયો હતો. ટાયર રસ્તામાં ફંગોળાયું નહીં, જેથી અકસ્માતની ભીતિ ટળી હતી. ખરાબ રસ્તાનાં કારણે જાનહાનિ થાય તેવા અકસ્માતો સર્જાવાની શક્યતાઓ સર્જાઇ શકે છે તેવું જાગૃતો દ્વારા જણાવાયું હતું. - આડેસરમાં ઘરોમાં પાણી ભરાયાં : રાપર તાલુકાના આડેસર ગામમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવા એ વર્ષો જૂની સમસ્યા છે. આડેસરના ફુલીવાસ અને ખાસ કરીને રાઉમા વાસમાં સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ભરાઇ જવાના બનાવો દર વર્ષે બને છે. સામાન્ય વરસાદમાં આવી સમસ્યાઓ ઊભી થતી હોય તો ભારે કે અતિભારે વરસાદથી જાનહાનિ થવાની સંભાવના પણ ઊભી થઇ શકે. આ વર્ષે પણ આડેસરના રાઉમા વાસમાં સામાન્ય વરસાદમાં ઘરોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. ગામના અગ્રણી અજયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આડેસર રાઉમાવાસમાં જે સમસ્યા છે તે માનવસર્જિત છે. આડેસરના વોર્ડ નંબર 8 અને 7 વચ્ચે પાણીના નિકાલ માટે ગટરલાઇન નાખેલી છે. આ ગટરના છેવાડે ગટર તોડીને તેના પર રહેણાકનાં મકાન બનાવવામાં આવતાં આ સમસ્યા સર્જાઇ હોવાનું જણાવ્યું હતું. જે મકાનો ગટર ઉપર બનેલા છે તેને તોડી પાડીને ગટરલાઇન ખુલ્લી કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. આડેસરમાં વરસાદની ચાલુ સિઝનમાં સામાન્ય વરસાદ થયો છે. ખેત-તળાવો કે ગામ તળાવોમાં પાણીની આવક થઇ નથી તેવું પ્રતિનિધિ ખેંગારભાઇ પરમાર-આડેસર દ્વારા જણાવાયું હતું. - ક્યારેક ઝરમર તો ક્યારેક મુશળધાર : ખેડૂતોએ કરી વાવણીની શરૂઆત : બે દિવસથી વાદળછાયાં વાતાવરણ પછી આજે સવારથી  પચ્છમના મુખ્ય ખાવડામાં ઘોર અંધકાર છવાઈ ગયો છે અને બપોરે ત્રણથી પાંચ સુધીમાં શરૂઆતમાં ધોધમાર અને પછી ઝરમર ઝરમર વરસાદ બે ઇંચ જેટલો થયો હતો. ખાવડાથી પૂર્વ દિશાના ગામડાં તુગા, જામકુનરિયા, જુણા, દેઢિયા વગેરે ગામોમાં બપોરના બારથી ઝરમર ઝરમર વરસાદ સાંજના સાડા પાંચ સુધીમાં અંદાજે એકથી દોઢ ઇંચ પાણી પડ્યાનું અગ્રણી બીજલભાઇ ડુંગરિયાએ જણાવ્યું હતું. તો પાસી વિસ્તાર તરીકે જાણીતા ખારી, અંધવ, દદ્ધર વગેરેમાં પણ અંદાજે એકથી દોઢ ઇંચ વરસાદના સમાચાર ખારીથી અગ્રણી ખીમાભાઈ આહીરે જણાવ્યું હતું, જ્યારે ઉત્તર તરફનાં ગામડાં દિનારા, ધ્રોબાણા, કુરન, કાળા ડુંગર વગેરેમાં વરસાદ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ આજે ફરી પચ્છમ પર મેઘવર્ષા થતાં પીવાનાં પાણી સહિતની સમસ્યાઓમાં રાહત મળે તેમ છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. - બન્ની માલધારીના મુલકમાં મેઘકૃપા : છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે અને શાંત સ્વરૂપે વરસતા વરસાદે સંપૂર્ણ બન્ની વિસ્તારને તૃપ્ત કરી દીધો છે. આજે સમીસાંજે 5.30 વાગ્યાથી બન્નીના ભીરંડિયારા, મદન, મીસરિયાડો. ભોજરડો, ઢંઢી, ઉડઇ, શેરવો, સરાડા, ભીટારા, ભગાડિયા સહિતનાં ગામોમાં મેઘકૃપા વરસતાં માલધારીઓમાં આનંદ છવાયો હતો. આજે મન મૂકીને વરસેલા વરસાદે નવચેતનાનો સંચાર થવા પામ્યો હતો. હંમેશાં કાગડોળે વરસાદની રાહ જોતા પશુપાલકોને વરસાદના અભાવે સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મેઘમહેરથી હિજરત કરી રહેલા માલધારીઓ પોતાના પશુઓ સાથે વતન ભણી પાછા ફરી રહ્યા હોવાનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. અગાઉના વર્ષોમાં ઓછા વરસાદને કારણે ઘાસ માટે બન્નીના માલધારીઓ ચિંતિત જોવા મળ્યા હતા પણ આ વર્ષે અવિરત ચોમાસાએ તમામ ચિંતાઓ દૂર કરી દીધી હોવાનું રાયશી અલીમામદ જુમા-ભીરંડિયારાએ યાદીમાં જણાવ્યું હતું. - દહીંસરા પંથકમાં મેઘવૃષ્ટિથી લીલીછમ સૃષ્ટિ : સતત ત્રીજા દિવસે આ વિસ્તારમાં મેઘરાજાએ વરસીને હેટ્રિક નોંધાવી છે. આજે સવારે 11 વાગ્યાથી ધીમીધારે મેઘએ પગરવ માંડયા હતા. દિવસની સાથે તાલ મેળવતાં મેઘે ગતિ પકડી હતી અને અડધો ઇંચ પાણી વરસ્યું હતું. અત્યાર સુધી મોસમનો 10 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું પ્રતિનિધિ  નરેન્દ્રભાઇ ચૌહાણે જણાવ્યું હતું. સમગ્ર વિસ્તાર લીલાછમ ઘાસથી છવાઇ જતાં ધરતીમાતાએ લીલુડી ચાદર ઓઢી હોય તેવા આંખને ટાઢક આપતા મનભાવન દૃશ્યો સર્જાયાં હતાં. ધરતીપુત્રો, પશુપાલકો, સમગ્ર જનજીવન ખુશખુશાલ જોવા મળ્યું હતું. - મુંદરામાં મોડીસાંજે મેઘરાજાની એન્ટ્રી : મુંદરા તાલુકાના ગુંદાલામાં મોડીસાંજથી રાતના નવ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ થયો છે. ખેડૂતો હવે ઉઘાડની રાહ જોઇ રહ્યા છે તેવું પ્રતિનિધિ ભુવનેશ જોશીએ જણાવ્યું હતું. - મેઘ તરસ્યા ખડીરમાં મેઘો ઓળઘોળ : રેતાળ ખડીરને હેતાળ મેઘમહેરે ન્યાલ કરી દીધો હતો. મેઘ તરસ્યા ખડીર-પ્રાંથળ વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતિત હતા જે આજે સચરાચર વાવણીલાયક વરસાદ થતાં ચિંતામૂક્ત બન્યા હતા. ખડીરનાં ધોળાવીરામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતાં નદી-નાળાંમાં નવાં નીર આવતાં જીવંત થયાં હતાં. માર્ગો અને ખેતરો જળમગ્ન બન્યાં હતાં તો રિસોર્ટ સંકુલમાં પણ પાણી ભરાયાં હતાં. અચાનક પડેલા એકધારા વરસાદથી પ્રવાસીઓ ફસાયા હતા. ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, સવારથી ચાલુ થયેલો વરસાદ છ ઈંચ જેટલો વરસી ગયો હતો અને હજી ધીમીધારે ચાલુ હોવાનું જણાવ્યું હતું. તો રતનપરમાં પણ વાવણીલાયક વરસાદ થયો હોવાનું સ્થાનિક શિક્ષક ખેંગારભાઈ આહીરે જણાવ્યું હતું. આ વખતે સાંતલપુર ધોળાવીરા માર્ગે આવેલા વરસાદે રસ્તામાં આવતાં મૌવાણા, બેલા, જાટાવાડા, બાલાસર વગેરે ગામોમાં વરસીને ખેડૂતોને ન્યાલ કરી દીધા હતા. બાલાસર સહિત પ્રાંથળમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થયો હોવાનું જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. નર્મદા કેનાલથી વંચિત  ખડીર પ્રાંથળનાં જળાશયોમાં  આજે પડેલા વરસાદથી બે મહિનાનાં નવાં નીર આવ્યાં હતાં. રાપરમાં પણ સવારથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે શાંતિપૂર્વક ધીમીધારે સાંજ સુધી એકાદ ઈંચ વરસ્યો હતો. તાલુકાનાં અન્ય ગામોમાં એકથી અઢી ઇંચ સાર્વત્રિક પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. - નખત્રાણામાં વહેતા ઝરણા અને ભીની સાંજ : નખત્રાણામાં ધોધમાર વરસેલા વરસાદ બાદ પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી હતી. ચારેબાજુ લીલીછમ ધરતી, પર્ણોથી છવાયેલાં વૃક્ષો અને વચ્ચે વહેતા ઝરણાંઓનો અદ્ભુત નજારો સર્જાયો હતો. કુદરતી રંગો, પાણીનો લય અને પવનના સંગીતમાં પ્રકૃતિપ્રેમીઓ ભીંજાયા હતા. - કોઠારાના ત્રણેય તળાવ ઓગન્યાં : અબડાસા તાલુકામાં ગઇકાલે થયેલા વરસાદનાં પગલે કોઠારાના ત્રણેય તળાવ ઓગની ગયાં હતાં. ગ્રામજનોમાં આનંદ વર્તાયો હતો. પાણીની આવથી ભરપૂર છલકાતાં તળાવોનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. - થાન જાગીર સ્થાનકે વરસાદી માહોલ : કચ્છની સૌથી જૂની જાગીર જ્યાં ધોરમનાથજી ધીણોધર પર 12 વર્ષ તપસ્યા કર્યા બાદ સમય જતાં આ ધોરમનાથજીનું આ સ્થાન `થાન' થયું અને થાન જાગીર તરીકે ઓળખાતા આ ઐતિહાસિક સ્થળે વરસાદી માહોલ સર્જાયો હતો. વિકેન્ડની મજા માણવા પર્યટકોની ભીડ જામી હતી. પરિવાર સહિત દર્શનાર્થે આવેલા પ્રકૃતિપ્રેમીઓનો પ્રવાહ જોવા મળ્યો હતો તેવું પ્રતિનિધિ છગનભાઇ ઠક્કરે જણાવ્યું હતું. - કાળા ડુંગરે વરસાદી રૂમઝુમ : મેઘાએ કાળા ડુંગરને ઘેરી લેતાં સર્વત્ર હરિયાળી સાથથે સ્વર્ગીય માહોલ સર્જાયો હતો જ્યાં વરસાદ માત્ર પાણી નહીં પણ આશા અને આરાધનાનું પર્વ છે ત્યાં ધુમ્મસભર્યા વાતાવરણમાં મેઘની સવારીએ આનંદનો પ્રવાહ વહ્યો હતો તેવું પ્રતિનિધિ હીરાલાલ રાજદેએ કહ્યું હતું. 

Panchang

dd