બ્યુનોસ આયર્સ, તા. 5 (પીટીઆઈ)
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ સાથે વ્યાપક
વાટાઘાટો કરી હતી, જેમાં મહત્ત્વપૂર્ણ
ખનીજો, વેપાર, રોકાણ અને ઊર્જા સહિત વિવિધ
ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોદી
તેમના પાંચ દેશના પ્રવાસના ત્રીજા તબક્કામાં શુક્રવારે બે દિવસના પ્રવાસ પર આર્જેન્ટિનાના
બ્યુનોસ આયર્સ પહોંચ્યા હતા. તેમની વાતચીતમાં મોદી અને મિલેઈએ મુખ્યત્વે વેપાર,
રોકાણ, ઊર્જા, કૃષિ અને મહત્ત્વપૂર્ણ
ખનિજો સહિત વિવિધ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-આર્જેન્ટિનાના સંબંધોને વિસ્તૃત કરવા પર ધ્યાન
કેન્દ્રિત કર્યું હતું, એવું જાણવા મળ્યું હતું. ફેબ્રુઆરી 2019માં આર્જેન્ટિનાના તત્કાલીન
રાષ્ટ્રપતિ મૌરિસિયો મેક્રીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક
ભાગીદારીમાં આગળ વધ્યા હતા. ભારત અને આર્જેન્ટિના વચ્ચે ખનિજ સંસાધન ક્ષેત્રમાં ખાસ
કરીને લિથિયમ ક્ષેત્રમાં નોંધપાત્ર સહયોગ છે, જે ભારત માટે હરિત ઊર્જાના વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ઓગસ્ટ 2022માં ખનિજ સંસાધનોનાં ક્ષેત્રમાં
સહયોગ અંગે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારનાં માળખાં
હેઠળ સ્થાપિત સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક જાન્યુઆરીમાં યોજાઈ હતી. ભારત-આર્જેન્ટિના
દ્વિપક્ષીય વેપારમાં વધારો થઈ રહ્યો છે. 2019થી 2022 સુધીનાં ત્રણ
વર્ષમાં વેપારનું પ્રમાણ બમણાથી વધુ વધી ગયું છે,
જે 2022માં 6.4 અબજ ડોલરની ટોચે પહોંચ્યું
છે.