ગાંધીધામ, તા. 6 : કંડલા પોર્ટ ઉપર કેમિકલ ખાલી કરી જઈ રહેલાં જહાજમાં તુણા ઓટીબી પાસે કોઈ કારણોસર
આગ લાગી હોવાના પગલે દોડધામ મચી હતી. અલબત્ત આ બનાવમાં જાનહાનિ ટળી હતી. બહાર આવેલી
વિગતો અનુસાર કંડલા પોર્ટની જેટી નં.2 ઉપર ગઈકાલે હોંગકોંગ નોંધણીનું એમ.ટી. ફુલદા લંગારાયું હતું. મેથેનોલ કેમિકલ ખાલી કરીને
આ જહાજ રવાના થયું હતું, ત્યારે
આજે બપોરે એક વાગ્યાના બાદના અરસામાં તુણા
ઓ.ટી.બી. પાસે આ જહાજમાં કોઈ પ્રકારે વિસ્ફોટ
થયો હતો, જેના કારણે જહાજના આગળના ભાગમાં નુકસાન થયું હતું તેમજ જહાજ એક બાજુ નમી ગયું હતું. જહાજના
એન્જિનમાં આગ લાગી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું હતું. આ બનાવ પાછળના કારણ અંગે સત્તાવાર
વિગતો સપાટી ઉપર આવી ન હતી.આ જહાજ ઓમાનના સોહાર પોર્ટ ઉપર જવાનું હોવાનું માહિતગારોએ
જણાવ્યું હતું. જહાજમાં વિસ્ફોટ થવાના સમાચાર સાથે મેરીટાઈમ રિસપોન્સ કો-ઓર્ડિનેશન
સેન્ટર તથા કોસ્ટગાર્ડ સહિતની ટીમ બચાવ કામગીરીમાં જાડાઈ હતી. આ બનાવમાં જહાજમાં રહેલા 21 જેટલા ક્રૂ સભ્યને સલામત
રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અગ્નિશમન દળની ટુકડી પણ આ સ્થળે ગઈ હોવાની પણ વિગતો સાંપડી હતી. આગામી દિવસોમાં
જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે. નોંધપાત્ર છે કે, થોડાં વર્ષો પહેલાં કંડલાના દરિયાઈ વિસ્તારમાં
જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી હતી, જેમાં આ જહાજ બળીને
ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં
આગ ભભૂકી ઊઠી હતી, જેમાં
ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને
અગ્નિશમનની સામગ્રી લઈને બચાવ કામગીરીનો
મોરચો સંભાળ્યો હતો. આ બનાવમાં પણ ક્રૂ-સભ્યોને બચાવી લેવાયા હતા.