• સોમવાર, 07 જુલાઈ, 2025

નેત્રાની વાડીઓમાં કાળી ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો ભારે પરેશાન

મોટી વિરાણી, તા. 6 : વરસાદ બાદ નખત્રાણા તાલુકાના નેત્રા ગામે વાડી વિસ્તારમાં કાળી ઈયળો પુષ્કળ પ્રમાણમાં નીકળતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ચોમાસાંમાં વરસાદ બાદ જમીન પોચી થાય, જેથી જમીનમાં વરસાદી ભેજનાં કારણે જીવાતો જમીનમાંથી બહાર આવવા લાગી છે. એક સાથે હજારોની સંખ્યામાં જીવાતો નીકળતાં વાડીઓમાં રહેતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે. બિનઝેરી કાળી ઈયળ ખતરો મહેસૂસ કરતાં ગોળાકાર વળી જાય છે. વરસાદ બાદ જમીનમાં નાના-નાના ખાડા બનાવી ઈંડાં મૂકે છે. આ ઈયળની જમીન પર 12 હજાર જેટલી વર્ણ જાતિ છે અને જ્યાં આ ઈયળ નીકળે ત્યાં દુર્ગંધ ફેલાય છે. ચૂડવેલ નામની આ ઈયળના પગ ઘણા હોય છે, પણ 2020માં આ કિડાની એક એવી જાત દેખાઈ હતી, જેમાં 1000 જેટલા પગ હતા. ઈયળ જન્મે ત્યારે તેના પગ હોતા નથી. વસંત ઋતુમાં આ જીવ ઈંડાં આપે છે. આઠ ઈંચ લાંબી ઈયળ કાળા કે ભૂખરા રંગની દેખાય છે. આ જીવો એક સાથે ઈંડાં મૂકતાં મોટા પ્રમાણમાં દેખાય છે. વરસાદ બાદ જમીનમાંથી ખોરાક માટે હજારોની સંખ્યામાં નીકળે છે. ભારત ઉપરાંત ચીન, શ્રીલંકા, વિયેતનામ, સિંગાપુર, મલેશિયા સહિતના દેશોમાં ચૂડવેલ ઈયળ જોવા મળે છે.  હાલમાં કચ્છમાં વરસાદ બાદ ઈયળનું સામ્રાજ્ય ફેલાયું હતું. નેત્રાના ઉપસરપંચ રસિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ નેત્રા ગામના વાડી વિસ્તારમાં ચૂડવેલ નામની જીવાતો દીવાલો પર વૃક્ષો પર, ભોંય તળિયે, અંદર-બહાર ચૂડવેલના થર જોવા મળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ચૂડવેલ જમીન પર જોવા મળી હતી. જે હવે દીવાલો પર ચડી ગઈ છે. ખેતરોમાં ઈયળો એટલી સંખ્યામાં જોવા મળી રહી છે કે, જ્યાં પગ મૂકો ત્યાં ઈયળો કચડાય છે. મોટી સંખ્યામાં ટહેલતી ઈયળોથી ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ગત વર્ષે આ ઈયળો પુષ્કળ પ્રમાણમાં નીકળી હોવાનું વિજય સીજુએ જણાવ્યું હતું. 

Panchang

dd