• સોમવાર, 07 જુલાઈ, 2025

માનસ મહોબત મજલીશ એટલે કોમીએકતાનો પ્રયાસ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 6 : અંજારમાં મોહરમ નિમિત્તે ઇમામ હુસેનને યાદ કરીને કરબલાના શહીદોએ અંજલિ આપી હતી. અહીં કોમીએકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું.  શહેરના લશ્કરી માતમ ચોકમાં કરબલાના અમર શહીદોની યાદમાં છેલ્લાં 35 વર્ષથી યોજાતા માનસ મહોબત મજલીશ કાર્યક્રમમાં માનસ મહોબત મજલીશના આયોજક અને અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ પીર સૈયદ હાજી અનવરશા બાપુએ સૌને આવકારને મોહરમ એ માત્ર કોઈ એક ધર્મ કે કોમનો તહેવાર નથી, પરંતુ સમગ્ર માનવજાતનો તહેવાર છે. કરબલાના 72 શહીદની યાદમાં અંજાર મધ્યે છેલ્લાં 35 વર્ષથી યોજાતી માનસ મહોબત મજલીશના પ્રણેતા અને સૌના દુઆગીર, કોમીએકતાના પ્રતીક મ. પીર સૈયદ હાજી મખદુમઅલી હાજી તકીશા બાપુના પ્રયાસોને યાદ કરી કચ્છની કોમીએકતા હંમેશાં અખંડિત રહે તેવા પ્રયાસો કરવા શીખ આપી હતી. કરબલાના શહીદોને અંજલિ પાઠવતાં કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ જણાવ્યું કે, કચ્છની કોમીએકતા અને સદ્ભાવનાને સમગ્ર દેશમાં પ્રેરણારૂપ માનવામાં આવે છે, સત્ય અને માનવતા માટે શહીદી વહોરનારા ઇમામ હુસેન સાહેબ આજે પણ અમર છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે કચ્છની કોમીએકતાના હંમેશાં ઉદાહરણ અપાય છે, આ નિમિત્તે માનસ મહોબત મજલીશ દ્વારા કોમીએકતાની જ્યોત પ્રગટાવનારા મ. પીર સૈયદ હાજી મખદુમઅલી બાપુને યાદ કર્યા હતા. કચ્છ આહીર સમાજના દાતા અને ઉદ્યોગપતિ બાબુભાઇ હુંબલે હિન્દુ-મુસ્લિમો વચ્ચે હંમેશાં સોહાર્દ અને ભાઇચારો બની રહે તેવા પ્રયાસ કરનારા મ. પીર સૈયદ હાજી મખદુમઅલી બાપુને યાદ કરી અને તેમનાં આ સત્કાર્યને આગળ વધારતાં અંજાર શહેર મોહરમ તાજિયા કમિટીના અધ્યક્ષ અનવરશા બાપુના પ્રયાસોને આવકાર્યા હતા. કાબરાઉ મોગલ ધામના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત શૈલેન્દ્રાસિંહે ઈન્સાનિયત માટે શહીદીને વહોરનારા ઇમામ હુસેનને યાદ કરી માનવતા માટે કરેલા તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાતના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીરે હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે હંમેશાં એખલાસ અને ભાઇચારો બની રહે તેવા આજીવન પ્રયાસ કરનાર અને સમગ્ર જીવન માનવતા માટે સમર્પિત કરનાર મ. પીર શૈયદ હાજી મખદુમઅલી બાપુને યાદ કર્યા હતા, તેમના આ પ્રયાસોને પરંપરા સ્વરૂપે આગળ ધપાવનાર સૈયદ અનવશાબાપુના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ માનસ મહોબત મજલીશ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓનું તાજિયા સમિતિ દ્વારા દસ્તારબંધી વડે સન્માન કરવામાં આવ્યું હતું.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજાર શહેર મહોરમ તાજિયા કમિટીના પ્રમુખ અનવરશા બાપુએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાન સજ્જનાસિંહ જાડેજા, મુસ્લિમ સમાજ અગ્રણી અમીરઅલી લોઢિયા, ગનીભાઈ કકલ, આમદભાઈ કેવર, મોહસીનઅલી બાપુ, ભચલશા શેખ, અનવરભાઇ નોડે, જાકુબભાઇ મન્સૂરી, મામદભાઇ આગરિયા, સાદીકભાઇ રાયમા, ગુલામશા શેખ, જિલ્લા લઘુમતી મોરચાના આમદભાઇ જત, ખત્રી સમાજના ઇસ્માઇલભાઈ ખત્રી, સતારભાઇ ખત્રી, કોંગ્રેસના અરજણભાઈ ખાટરિયા, અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજાસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શંભુભાઇ ડાંગર, અંજાર ચામુંડા માતાજી મંદિરના નારણભાઇ અને ભરતભાઈ, કાઉન્સિલર કલ્પનાબેન ગોર, કંચનબેન સોરઠિયા સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજારમાં બનનારી હોસ્પિટલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનારાં જયશ્રીબેન નાયકનું અતિથિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  

Panchang

dd