નવી
દિલ્હી/મુંબઈ, તા. 6 :
આભેથી આનંદ નહીં, પણ આફત
વરસી હોય તેમ સોમવારે તોફાની, અનરાધાર, મુશળધાર વરસેલા વરસાદે દેશના અનેક ભાગોમાં જન જીવનને બેહાલ કરી મૂક્યું
હતું. કુદરતના કોપમાં ફેરવાયેલા વરસાદની માર મહારાષ્ટ્રને સૌથી વધુ પડી હતી.
પૂણેમાં પારાવાર તારાજી સાથે ત્રણ મોત થયાં હતાં. આવતીકાલે મંગળવારે ગુજરાત સહિત
દેશના 21 રાજ્યમાં
ભારે વરસાદનો વર્તારો મોસમ વિજ્ઞાન વિભાગે
આપ્યો છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે સોમવારે મુંબઇ, થાણે
અને રાયગઢ માટે તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું
હતું. આખા દેશમાં વરસાદી આફતે વિનાશ જેવી સ્થિતિ સર્જી હતી. મહારાષ્ટ્રના સતારામાં
પુલ તૂટતાં ક્રેનથી વાહનો કાઢવા પડયા હતા, તો મુંબઈમાં રેલવે
ટ્રેક, એક્સપ્રેસ વે બંધ કરી દેવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન થતાં અનેક વાહનો તેના
કાટમાળમાં દબાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ચાલતી કાર પર
પથ્થર પડતાં 14 વર્ષની સગીરાનું મોત થઈ ગયું હતું. ભૂસ્ખલન, પૂરપ્રકોપના પગલે અનેક રાજ્યોમાં રસ્તા, રેલવે
માર્ગની સેવાઓને અસર થતાં મોટી સંખ્યામાં લોકોને પરેશાની વેઠવી પડી હતી.
પૂણે-મુંબઇ એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન થતાં પડેલા મહાકાય પથ્થરો સહિત કાટમાળને
હટાવવા જેસીબીથી કવાયત કરાઇ હતી. મહારાષ્ટ્રમાં લોકોને જરૂર ન હોય તો ઘરોથી બહાર
નહીં નીકળવાની આપીલ કરાઇ હતી. વૃક્ષો, વીજ થાંબલા, જર્જરિત ઇમારતો, હોર્ડિંગ્સથી દૂર રહેવા સલાહ અપાઇ
હતી. પૂર સહિતની વિકટ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે 15 હજાર
કર્મચારી,
અધિકારીઓ તૈનાત કરાયા હતા. બીએમસીએ મુંબઇમાં તમામ સરકારી અને ખાનગી
શાળા, કોલેજોમાં રજા જાહેર કરી હતી. ખાનગી કચેરીઓના
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ અપાઇ હતી. ઓરિસ્સામાં આજે સળંગ ત્રીજા
દિવસે અનરાધાર વરસાદથી રાજ્યવ્યાપી એલર્ટ જારી કરાયું હતું. જનજીવન જળબંબાકારથી
બેહાલ બની ગયું હતું.