દાયકાઓથી જમ્મુ અને
કાશ્મીરમાં આતંકવાદની સામેના જંગમાં એક વાસ્તવિક્તા અને બોધપાઠ સામે આવ્યો છે કે, માત્ર આંતકવાદીઓના મરવાથી આ લોહિયાળ દૂષણનો અંત આવે તેમ નથી. આતંકવાદીઓને ઠાર કરવાની સાથોસાથ તેમને સંલગ્ન અનુષંગિક
કારણોની સામે પણ અસરકારક કાર્યવાહી કરવાની અનિવાર્યતા રહેલી છે. સરહદ પારની ઘૂસણખોરી,
પાકિસ્તાન સમર્થિત આતંકવાદી માળખાં, હવાલા વાટે
આતંકને આર્થિક મદદ, સોશિયલ મીડિયા વાટે યુવાનોમાં અપપ્રચાર જેવાં
કારણોને લીધે જેટલા આતંકવાદમાં નવા-નવા ચહેરા ઉમેરાતા જાય છે. હવે ભારતીય એજન્સીઓ સમજી
ચૂકી છે કે, આતંકવાદના પાયાના તમામ કારણોને એક સાથે નામશેષ નહીં
કરાય ત્યાં સુધી તેનો ખાતમો થઈ શકે તેમ નથી. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં બનેલા
બે બનાવને એક સમાન દૃષ્ટિકોણથી મુલવતાં આ જરૂરત વધુ સ્પષ્ટ થાય છે. એક તો શોપિંયા વિસ્તારમાં
લશ્કરે તોઈબાના બે આતંકી ઠાર થયા હતા અને બીજું સરકારી શાળાઓની લાયબ્રેરીઓમાં અલગતાવાદની
વિચારધારાના પુસ્તકો મળ્યાં હતાં. આ બંને બનાવે આતંકવાદ સામેના જંગના બે મોરચા ફરી
એક વખત છતા કર્યા છે. શોપિંયામાં સલામતી દળોએ સફળ એન્કાઉન્ટરમાં લશ્કરે તોઈબાના જાકિર
અહમદ ગનીને ઠાર કર્યે હતો. આ જાકિર પહેલગામના હુમલા બાદ સલામતી દળોએ જાહેર કરેલા સ્થાનિકના 14 આતંકીની યાદીમાં સામેલ હતો. લશ્કર, પોલીસ અને સીઆરપીએફના આ સંયુક્ત ઓપરેશને
ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે, આતંકના નેટવર્કનો નાશ કરવા
સફળ કાર્યવાહી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, એક ચોંકાવનારા ઘટનાક્રમમાં
સરકારી શાળાઓની લાયબ્રેરીઓમાં અલગતાવાદી વિચારધારાને ઉત્તેજન આપતાં પુસ્તકો મળી આવ્યાં
હતાં. ભારે ચોંકવનારા આ બનાવમાં શિક્ષણ સંસ્થાઓ વાટે યુવા વિદ્યાર્થીઓમાં અલગતાવાદ
કે હિંસાની વિચારધારાના બીજ વાવવાનો પ્રયાસ ભવિષ્યમાં મોટા જોખમમાં પરિણમે એવું જોખમ
છતું થયું છે. વહીવટી તંત્રે આ પ્રકરણમાં જવાબદાર આઠ અધિકારીને સસપેન્ડ કર્યા છે તથા
પુસ્તકોના લેખકો અને પ્રકાશકોને બ્લેકલિસ્ટ કર્યા છે. સરકારે આ કેમ બન્યું તેની વિગતવાર તપાસના આદેશ પણ
કર્યા છે. હવે એ સ્પષ્ટ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં કાયમી શાંતિ માટે સલામતી દળોની આતંકીઓ સામેની નિર્ણાયક
કાર્યવાહીની સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા અલગતાવાદી વિચારધારાને પરાસ્ત કરવા સતત જાગૃતિ
રાખવાની ખાસ જરૂરત છે. આ ઉપરાંત આતંકવાદને મળતા આર્થિક પોષણના સ્રોતોને બંધ કરવા લેવાઈ
રહેલાં પગલાંને વધુ વ્યાપક કરવાની પણ ખાસ જરૂરત રહેશે. યુવાનોને હિંસાને બદલે વિકાસના
માર્ગ પર લાવવામાં આવશે તો જ આતંકવાદની સામે ભારત નિર્ણાયક વિજય મેળવી શકશે.