• મંગળવાર, 07 જુલાઈ, 2026

પારંપરિત સંગીત વારસાને સાચવવા સહિયારા પ્રયાસો કરાશે

ભુજ, તા. 6 : કચ્છની સંસ્કૃતિ અને સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા `કલા વારસો' દ્વારા ટાઉનહોલ ખાતે સંગીતમય કાર્યક્રમ `હરખની હેલી'નું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વિવિધ સંગીત શૈલીના કલાકારોએ ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરી હતી. કલાનો પ્રાચીન વારસો નવી પેઢીને સોંપવાનું આહ્વાન કરાયું હતું. મેનાજિંગ ટ્રસ્ટી ભારમલ સંજોટે શાબ્દિક આવકાર આપ્યો હતો. `કલાવારસો' સંસ્થાની ગયા વર્ષની કામગીરીનો વાર્ષિક અહેવાલનું પ્રેઝન્ટેશન કલાકારો સમક્ષ રજૂ કરાયું હતું. કાર્યક્રમનું કચ્છના 10 વડીલ કલાકારો કે જેમણે પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનામાં વિતાવ્યું છે એવા તમામનું `કલાવારસો ભૂષણ' એવોર્ડ આપીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના દાતા દેવેન્દ્રભાઈ શાહે પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ યુવા કલાકારો તૈયાર થાય તે હોવો જોઈએ. વડીલ કલાકારો પાસે જે પરંપરાગત જૂની સંગીત શૈલીઓ છે, તે વારસો હવે નવી પેઢીને સોંપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ પરંપરાને જીવંત રાખવા અને આગળ ધપાવવા માટે સંસ્થા આગામી સમયમાં પણ સતત કાર્ય કરતી રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિઓએ પોતાના પ્રવચનમાં `કલા વારસો' સંસ્થાની કામગીરીને મુક્તમને બિરદાવી હતી. મહાનુભાવોએ સંયુક્ત સૂર પુરાવતા જણાવ્યું હતું કે, અમે કલાવારસો સંસ્થાની સાથે જ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શંકરદાન બારોટ, ઉપપ્રમુખ દાના ભારમલ, મોહન આહીર, નામરી પરમાર, નારાણ ખરેટ, વાલજી જોગી, કરમશી જોગણીયા, તનીષા ખાન, ગુરુ સંજોટ અને હરેશ પરમાર સહિતના કલાવારસો ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંચાલન ઉત્કંઠાબેન ધોળકિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં લીલાધર પાસુ, ફોરવર્ડ્સ કંપનીના મેનાજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર શાહ, ફોકિયાના મેનાજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, માહિતી ખાતાના નિયામક ઘનશ્યામ પેડવા, સ્મૃતિવનના  ડિરેક્ટર મનોજ પાંડે, તલકશીભાઈ નદું, ઝવેરીલાલ સોનેજી, સીએ રમેશ પિંડોરિયા, બંટી પોપટ, કવીભાઈ, માવજી બારીયા, પંકજ શાહ, ધર્મા ભગત, ગાભુ વણકર, રૂપેશ પટેલ અને પરેશ ઠકકર ઉપસ્થિત રહ્યા હતા.

કલાવારસો એવોર્ડથી સન્માનિત કલાકારો

જુસબ સુમાર જુમાણી-પરંપરાગત મંગલ વાદ્ય શરણાઈ, અબ્દુલા સુલેમાન લંગા-પરંપરાગત મંગલ વાદ્ય નોબત, ગાંગા સુરા ભગત-સંતાર વાદ્ય સાથે દેશી ભજન આરાધીવાણી, છગન વેરશી મેઘવાર-રામસાગર વાદ્ય સાથે દેશી ભજન, કેશરબાઈ ફકુ પારાધી -પરંપરાગત લગ્નગીતોના ગાયક, રમજાન લાખા કેર-સુફી કાફી કલામના ગાયક, રામા સગ્રામ કોલી-દેશી ભજન ગુરુમૂખીવાણીના ગાયક, નવલબેન અજુ બારોટ-પરંપરાગત લોકગીતોના ગાયક, ઈસ્માઈલ જુમા જત-જોડિયા પાવાના વાદક, રમણીક મગનલાલ પરમાર-બેન્જો વાદક.

Panchang

dd