નોર્ટિંગહામ, તા.6: બ્રિટનના પ્રવાસમાં અત્યાર સુધી જીતનો સ્વાદ
ચાખવામાં નિષ્ફળ રહેનાર ટીમ ઇન્ડિયા મંગળવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધના ત્રીજા ટી-20 ઇન્ટરનેશનલ
મેચ માટે મેદાનમાં ઉતરશે. આ મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં હેઠળની
ભારતીય ઇલેવનમાં ટીમ મેનજમેન્ટ એક વધારાના ઝડપી બોલરને સામેલ કરી શકે છે. જ્યારે
સ્પિનર રવિ બિશ્નોઈની જગ્યા ખતરામાં દેખાઈ રહી છે. અય્યરની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા
અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે. જેમાં આયરલેન્ડ સામેની 0-2ની
શરમજનક હાર સામેલ છે. આ સ્થિતિમાં વિશ્વ વિજેતા ભારતીય ટીમ માટે ઇંગ્લેન્ડ સામી
ત્રીજી ટી-20 મેચ
કરો યા મરો સમાન બની ગઈ છે. મેચ મંગળવારે રાત્રે 10-00 વાગ્યાથી
શરૂ થશે. બીજી મેચમાં પણ 1પ વર્ષીય પ્રતિભાશાળી બેટધર વૈભવ સૂર્યવંશી પર
સહુની નજર રહેશે. તે પદાર્પણ મેચમાં બે છક્કાથી ઉતાવળમાં 14 રને
આઉટ થયો હતો. ટ્રેંટબ્રિજની પીચ બેટધરોને અનુકુળ માનવામાં આવે છે. આથી વૈભવના
બેટમાંથી આક્રમક ઇનિંગ જોવા મળી શકે છે. માંચેસ્ટરમાં રમાયેલી બીજી મેચમાં રવિ
બિશ્નોઇ ટીમ ઇન્ડિયાની કમજોર કડી બન્યો હતો. તેણે ત્રણ બેક ફૂટ નો-બોલ કર્યા હતા
અને ઇનિંગની 17મી
ઓવરમાં 29 રન
આપતા ભારતની હાર નિશ્ચિત બની હતી. તેણે 4 ઓવરમાં વિકેટ લીધા વિના 60 રનનો
ખર્ચ કર્યો હતો. આથી તેની જગ્યા પર સવાલ ઉઠી રહ્યા છે. તેનાં સ્થાને ઇલેવનમાં ઝડપી
બોલર પ્રિન્સ યાદવને તક મળી શકે છે. બ્રિટન પ્રવાસમાં ભારત તરફથી એકમાત્ર અભિષેક
શર્મા સ્વાભાવિક બેટિંગ કરી રહ્યો છે. બાકીના બેટર્સ તેમની નેચરલ ગેમથી દૂર છે.
જેનો ફાયદો હરીફ ટીમને મળી રહ્યો છે. ઇંગ્લેન્ડની નજર વધુ એક જીત સાથે પ મેચની
શ્રેણીમાં 2-0ની
અતૂટ સરસાઈ પર રહેશે. શ્રેણીનો પહેલો મેચ વરસાદને લીધે અનિર્ણિત રહ્યો હતો.