ગાંધીધામ, તા. 6: અંજાર પોલીસે વરસાણા ચોકડી પુલીયા પાસે નાકાબંધી
કરીને ભચાઉ તરફથી આવતી એક મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડીને ઝડપી પાડી હતી. ગાડીની
તલાશી લેતા પાછળના ભાગેથી લાકડાની 4 પેટીઓમાં છુપાવેલો દમણ નિર્મિત
વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોયલ ચેલેન્જર વ્હીસ્કીની 1,008 બોટલો
કિંમત રૂ. 1,72,368, બોલેરો
ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,77,768નો મુદ્દામાલ જપ્ત
કર્યો હતો. પોલીસે ગાડીના ચાલક આમ્બાસિંહ ગુમાનાસિંહ રાઠોડ(રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો
તેના કાકાના દીકરા ઓમાસિંહ રાઠોડ (રહે. રાજસ્થાન) એ ભરી આપ્યો હતો અને ગાંધીધામ
હાઇવે પર રામદેવપીર મંદિર પાસે પહોંચાડવાનો હતો. અંજાર પોલીસે બંને વિરૂદ્ધ
પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ઓમાસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.