• મંગળવાર, 07 જુલાઈ, 2026

દ. ગુજરાત સહિત અનેક જિલ્લામાં રેડએલર્ટ

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઓને પગલે `રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે બુધવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં, તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. તો ઊનામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત આવતીકાલે અને બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં; સૌરાષ્ટ્રમાં કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છ અને દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 17 તાલુકામાં 3 ઇંચથી વધુ અને બાકીના તાલુકાઓમાં 2 ઇંચથી ઓછા વરસાદ પડ્યો હતો. તેમાં સુરત શહેરમાં 4.41, વલસાડા વાપીમાં 4.13, પારડીમાં 4.09, મહીસાગરના ખાનપુરમાં 3.86, સુરતના કામરેજમાં 3.31, નર્મદાના સાગબારામાં 3.11, પાટણના રાધનપુરમાં 3, વલસાડના નાનાપોંઢામાં 3, ઉંમરગામમાં 2.76, કપરાડામાં 2.56, વલસાડ શહેરમાં 2.52 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 2.48, નવસારીના ખેરગામમાં 2.32, નર્મદાના ચિકાડામાં 2.09, તાપીના ડોલવણમાં 2.05, નવસારીના ગણદેવીમાં 2.01 ઇંચ વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે ગત 24 કલાકમાં અમરેલી જિલ્લામાં સરેરાશ 4 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર આજે સોમવાર સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે 6 ઇંચથી વધુ એટલે કે સરેરાશ 17 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 23 ટકાથી વધારે, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 12 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 10 ટકાથી વધુ અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 0.42 ટકા વરસાદ વરસ્યો છે.

Panchang

dd