ન્યૂયોર્ક, તા. 6 : ફિફા વર્લ્ડકપના રાઉન્ડ-16માં
ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોટો ઊલટફેર જોવા મળ્યો હતો. અન્ડરડોગ ગણાતી ટીમ નોર્વેએ
પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલને 2-1થી હાર આપીને વર્લ્ડકપના
કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નોર્વેની આ સનસનીખેજ જીતથી ખિતાબની દાવેદાર
ટીમ બ્રાઝિલ વિશ્વકપની બહાર થઇ હતી. વર્ષ 36 વર્ષ બાદ બ્રાઝિલની વિશ્વકપમાં
આ સૌથી ખરાબ વિદાય છે. અગાઉ 1990માં બ્રાઝિલ આર્જેન્ટિના સામે રાઉન્ડ-16માં
હારીને બહાર થઇ હતી. નોર્વેના વિજયનો નાયક 6 ફૂટ પ ઇંચ ઊંચો અને કદાવર
ખેલાડી અર્લિંગ હાલેન્ડ રહ્યો હતો. તેણે બે ગોલ કરી બ્રાઝિલને દિગમૂઢ કરી દીધું
હતું. મેચમાં બ્રાઝિલને શરૂઆતમાં જ પેનલ્ટી મળી હતી પણ નોર્વેના ગોલકીપર ઓર્જાન
નાઇલેન્ડે દીવાલ બની ગોલ થવા દીધો ન હતો. બ્રાઝિલનો ખેલાડી બ્રૂનો ગુઈમારેસ
પેનલ્ટીથી ગોલ કરવાનું ચૂકી ગયો હતો. બીજા હાફમાં બ્રાઝિલે સ્ટાર સ્ટ્રાઇકર
નેમારને મેદાનમાં ઉતાર્યો હતો. પણ નોર્વે ગભરાયું નહીં. મેચની 79મી
મિનિટે અર્લિંગ હાલેન્ડે બુલેટ હેડરથી જબરદસ્ત ગોલ કરી નોર્વેને 1-0થી
આગળ કર્યું. આ પછી 90મી મિનિટે ફરી હાલેન્ડ ત્રાટકયો હતો. તેણે
પાવરફુલ શોટથી સીધો ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું. આથી નોર્વેની સરસાઇ 2-0 થઇ
ગઇ હતી. સ્ટોપેજ ટાઇમની 10મી મિનિટે બ્રાઝિલને ફરી પેનલ્ટી મળી. જેમાં
નેમારે કોઇ ભુલ કરી નહીં અને બ્રાઝિલ માટે ગોલ કર્યો, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. રેફરીએ વ્હીસલ મારી અને નોર્વેનો 2-1થી
ઐતિહાસિક વિજય થયો. કવાર્ટર ફાઈનલમાં નોર્વેની ટક્કર 11મીએ
ઈંગ્લેન્ડ સામે થશે.