• મંગળવાર, 07 જુલાઈ, 2026

ચંપત રાય મિશ્રાની રવાનગી કૃષ્ણમોહન નવા મહામંત્રી

અયોધ્યા, તા. 6 : દેશભરના રામભક્તોમાં ભારે નારાજગી ફેલાવનાર રામમંદિરમાં દાન-ચડાવાની ચોરીનાં બહુચર્ચિત પ્રકરણમાં સોમવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આખરે મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનાં રાજીનામા મંજૂર કરી લીધાં હતાં. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિએ આવી ઘોષણા કરી હતી. ચંપત રાયનાં સ્થાને નિવૃત્ત ભારતીય વનસેવા (આઈએફએસ) અધિકારી કૃષ્ણમોહનને મહામંત્રી બનાવાયા છે. ચડાવા ચોરીની વિવાદસર્જક ઘટના બાદ પહેલી બેઠકમાં જ આ મોટો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં ટ્રસ્ટી કે. પારાશરને જણાવ્યું હતું કે, રાજીનામું અપાતાં તરત સ્વીકાર કરવું ટ્રસ્ટનાં બંધારણમાં છે એટલે તરત સ્વીકારી લેવાયાં છે. કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિ બોલ્યા હતા કે, અપરાધી પકડાઈ ન જાય, ત્યાં સુધી પદ પર રહેવું યોગ્ય નથી, તેવું ખુદ ચંપત રાયે કહ્યું છે. મહામંત્રી પદે નિયુક્ત થતાંની સાથે જ કૃષ્ણમોહને કહ્યું હતું કે, ચડાવા ચોરીના દોષીઓને સજા અપાવશું. પ્રબંધનની ખામીઓનો ફાયદો ઊઠાવાયો છે. ખામીઓને દૂર કરાશે, જેથી આવી ઘટનાઓ ફરી ન થાય. સમાજમાં અવિશ્વાસ છે. અમે વિશ્વાસ ફરી સ્થાપિત કરીશું, તેવું તેમણે ઉમેર્યું હતું. રામમંદિર ટ્રસ્ટના ફેંસલાને સમર્થન આપતાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ લોકોને તપાસ પર ભરોસો રાખવાની અપીલ કરી હતી. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે રામમંદિર દાનચોરી પ્રકરણની તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી પાયાવિહોણા અરોપ નહીં લગાવવાનો અનુરોધ કર્યો હતો. સરકારને મંદિર ટ્રસ્ટે કરેલી માંગ મુજબ ખાસ તપાસ ટીમ (સીટ) દ્વારા તપાસ બાદ પ્રારંભિક અહેવાલ આવતાં એફઆઈઆર નોંધાવાઈ. હવે તપાસ સમયસર પૂરી થવી જોઈએ અને દોષીઓને કડક સજા થવી જોઈએ, તેવું કુમારે કહ્યું હતું. મંદિર ટ્રસ્ટ કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિએ જણાવ્યું હતું કે, ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ આ મામલામાં જવાબદારીથી પાછળ હટવું જોઈતું નહોતું. બેન્કની લાપરવાહીનાં ગંભીર પરિણામ ભોગવવાં પડયાં છે. દરમ્યાન, ટ્રસ્ટે જણાવ્યું હતું કે, નિધિ સમર્પણ અભિયાન અને કોર્પસ દાન મારફતે અત્યાર સુધી 3264 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી 2370 કરોડ રૂપિયા મંદિર નિર્માણ અને અન્ય સંબંધિત કામોમાં ખર્ચાઈ ચૂક્યા છે.

Panchang

dd