મેલબર્ન, તા. 6 : મૂળ કચ્છના ભુજના વતની અને છેલ્લાં 18 વર્ષથી
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્થાયી થયેલા કુણાલ મહેતાને એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક
તક પ્રાપ્ત થઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 9 જુલાઈએ
મેલબર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે યોજાનારા મેલબર્ન મિટસ મોદી (એમએમ3) કાર્યક્રમમાં
શ્રી મહેતા ભારતીય રાષ્ટ્રીય ગાન રજૂ કરશે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિ રહેશે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી
ભારતીય મૂળના અંદાજે 38,000થી વધુ લોકોએ નોંધણી કરાવી છે અને હજારો
ભારતીય-ઓસ્ટ્રેલિયન આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે. વ્યવસાયે કુણાલ મહેતા
મેલબર્નની એક જાહેર હોસ્પિટલમાં બ્લડ કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સ ક્ષેત્રે કાર્યરત
છે,
પરંતુ સંગીત પ્રત્યેના તેમના પ્રેમ અને સમર્પણને કારણે તેઓ
મેલબર્નના ભારતીય સમુદાયમાં એક જાણીતા ગાયક તરીકે આગવું સ્થાન ધરાવે છે. આવા
આંતરરાષ્ટ્રીય સમારંભમાં બંને દેશના વડાપ્રધાનોની ઉપસ્થિતિમાં હજારો લોકો સમક્ષ
ભારતીય રાષ્ટ્રીય ગાન ગાવાની તક મળવી કોઈ પણ કલાકાર માટે જીવનની મોટી સિદ્ધિ ગણાય.