યુદ્ધ દરમ્યાન અમેરિકી હુમલાનો ભોગ બનેલા ઇરાનના સર્વોચ્ચ નેતા
આયાતુલ્લાહ ખોમેનીના અંતિમ સંસ્કાર અને દફન સમારોહમાં ભારતને પાઠવવામાં આવેલું ઔપચારિક
આમંત્રણ એક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક ઘટના છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝશ્કિયાને વડાપ્રધાન
મોદીને વ્યક્તિગત નિમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ વડાપ્રધાનની અગાઉથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને લીધે ભારતે
ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલ્યું, જેમાં બિહારના રાજ્યપાલ
લેફ્ટ. જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિટા
સામેલ છે. ઇરાને દેશની મુખ્ય ધારાના કેટલાય રાજકીય પક્ષના નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું,
જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ
વિદેશમંત્રી સલમાન ખુર્શીદ સામેલ છે. ભાજપ પ્રમુખ નીતિન નબીન, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ તથા પાંચ શિયા ધર્મગુરુને પણ આમંત્રિત
કરવામાં આવ્યા. ઇરાનનો સંદેશ સ્પષ્ટ છે કે, તે ભારતમાં માત્ર
શાસક પક્ષ સાથે જ નહીં બલ્કે દેશની સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થા અને નેતાગીરી સાથે સંબંધ
જાળવવા માગે છે. ઇરાન અને ભારતના સંબંધો ખૂબ જૂના છે. તે કોઇ સરકાર કે કાર્યકાળ પૂરતા
સીમિત ન હોઇ શકે. અહીં એ નોંધનીય છે કે, ભારત અમેરિકા અને ઇઝરાયલ
એ બંને દેશ સાથે ગાઢ મૈત્રી સંબંધો ધરાવે છે. નેતન્યાહુ અને મોદીની દોસ્તી મજબૂત છે.
ટ્રમ્પના વિચિત્ર વ્યવહાર છતાં મોદી સાથે તેમણે ખાસ સંબંધ હોવાનો વખતો વખત પુનરોચ્ચાર
કર્યો છે. એવામાં એ બંને દેશ સાથે યુદ્ધે ચડેલાં ઇરાનની ગૂડબૂકમાંય સામેલ રહેવું અને
એક મહાન લોકતાંત્રિક દેશ તરીકેની ભૂમિકા નિભાવવી એ આપણી સશત્ર ઇચ્છાશક્તિ અને રણનૈતિક
સ્વાયતતાનું દૃષ્ટાંત છે. એક રીતે ઇરાનના ટોચના નેતૃત્વને પણ આપણો સહાનુભૂતિનો સંદેશ
છે. ખોમેનીની અંતિમયાત્રામાં દુનિયાભરમાંથી લાખો લોકો ઊમટયા છે. 28મી ફેબ્રુઆરીએ અમેરિકા-ઇરાનના હુમલામાં
આયાતુલ્લાહ ખોમેનીએ જીવ ગુમાવ્યો હતો. ટીવી પરનાં દૃશ્યોમાં ઇરાની મહિલા-યુવા, બુઝુર્ગોની આંખમાં આંસુ ખોમેનીની લોકપ્રિયતા
દર્શાવે છે. ઇરાનીઓ કહે છે કે, દુશ્મનો બોમ્બ-મિસાઇલ વરસાવતા
હતા, ત્યારે ખોમેનીએ બંકરમાં ભરાઇ રહેવાને બદલે સત્તાવાર કાર્યાલયમાં
રહીને મોતનો સામનો કરવાનું પસંદ કર્યું હતું. 86 વર્ષીય આયાતુલ્લાહએ ત્રણ દાયકા
ઇરાન પર શાસન કર્યું. તેમના પૂર્વજોનો સંબંધ ઉત્તર પ્રદેશના કિંતુર ગામથી હતો. તેઓ
ભારતયાત્રાએ આવ્યા હતા. કર્ણાટકના ચિકબ્બાપુર ગામમાં એક હોસ્પિટલનું તેમણે 1981-82માં ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ
મધ્ય-પૂર્વના સૌથી તાકાતવર નેતા હતા. નેહરુજીના લેખન અને વિચારોથી તેઓ પ્રભાવિત હતા.
અલબત્ત ઇરાનના શાસન સામે આંગળી ચીંધનારા લોકો રૂઢિચૂસ્તતા, મહિલાઓ પરનાં નિયંત્રણ, વિરોધ પ્રદર્શનોને લોખંડી હાથ કચડી નાખવાના બનાવોને ખોમેની શાસનનાં નકારાત્મક
પાસાં લેખાવે છે. મહિલાઓને તેમણે બુરખામાં જ રાખી અને 2022માં બુરખા વગર નીકળેલી મહસા
અમીનીની ધરપકડ થઇ, અંતે સંદિગ્ધ
અવસ્થામાં તેનું મોત નીપજ્યું હતું. અણુશત્રો બનાવવાના કાર્યક્રમને લીધે અમેરિકા તથા
પશ્ચિમી જગતના આર્થિક પ્રતિબંધોને લીધે ઇરાનને અને તેની જનતાને ઘણું સહન કરવું પડયું
છે. તેમની દફનવિધિ સાથે ઇતિહાસનું એક પ્રકરણ પૂરું થયું છે.