મહાસત્તા અમેરિકામાં આઝાદીનો મહોત્સવ આરંભાયો છે. 4 જુલાઈ-1776ના
બ્રિટનથી સ્વતંત્ર થઈ પોતાનું ઘોષણાપત્ર અમેરિકાએ જાહેર કર્યું હતું. આ ઐતિહાસિક દિવસ
પછી ઈતિહાસ હંમેશાં અમેરિકાની નોંધ લેતો રહ્યો છે. અઢી સદી વિશ્વના વિકાસ અને ક્રાંતિ
માટે ઓછી અવધિ નથી અને આ ગાળામાં અમેરિકાનું યોગદાન કહો કે ભૂમિકા તે મહત્ત્વના રહ્યા
છે. 13 બ્રિટીશ વસાહત સુધી વિસ્તરેલો આ દેશ આજે 50 રાજ્ય ધરાવે છે, વિશ્વનો ચોથા નંબરનો મોટો દેશ છે. ભારતના વડાપ્રધાન અને વિદેશ
પ્રધાને સ્વાભાવિક રીતે અમેરિકાને શુભેચ્છા આપી છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર
છે અને અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, આ સંબંધ અગત્યનો
છે. ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વની સૌથી મોટી વ્યાપારી ભાગીદારી છે. 50 લાખથી વધારે ભારતીય અમેરિકામાં વસવાટ કરે છે, તબીબી વ્યવસાય, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સહિતના ક્ષેત્ર અગ્રેસર છે. આધુનિક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
ક્ષેત્રે અમેરિકાએ વિશ્વનું નેતૃત્વ કર્યું છે. ગૂગલ હોય કે માઈક્રોસોફ્ટ કે પછી વિશ્વને
એક તાંતણે છોડનારી ઈન્ટરનેટ સેવા કે અંતરિક્ષમાં ભમીને સંશોધનો કરતું સંસ્થાન નાસા
હોય. અમેરિકાએ વિશ્વ સ્તરે કામ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વર્લ્ડ બેંક જેવી વિશ્વ સ્તરની સંસ્થાઓની સ્થાપના અમેરિકાએ કરી છે. કલા-ફિલ્મ
ક્ષેત્રે હોલીવૂડ જગખ્યાત છે. સ્વતંત્રતા દિવસ સમારોહના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે
ઈરાન પ્રત્યે તો પોતાનો રોષ વ્યક્ત કર્યો, પરંતુ તેમણે સ્પષ્ટ
કહ્યું કે, સામ્યવાદને અમે ક્યારેય અહીં પોષશું નહીં. અમેરિકાની
સંસ્કૃતિ સામ્યવાદને કોઈ રીતે સ્વીકારતી નથી. લોકશાહી માટે જેનું ઉદાહરણ અપાય છે તેવા
અમેરિકાએ આ વલણ સ્પષ્ટ કર્યું છે તેની સાથે જ આટલાં વર્ષે પણ રંગભેદની સામાજિક અસમાનતા
ક્યાંક જીવે છે. સામાજિક માળખું કંઈક એવું છે કે, કિશોરાવસ્થામાં
જ ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ અમેરિકા માટે નવી વાત નથી. ભારત સાથે અમેરિકાના સંબંધો
એકંદરે સારા રહ્યા છે. વિશ્વના અન્ય દેશોને સ્વતંત્રતા ચળવળ માટે અમેરિકાએ કોઈ ને કોઈ
પ્રેરણા આપી છે. આમ તો દરેક પ્રમુખનું પોતાનું યોગદાન રહ્યું છે, પરંતુ જ્યોર્જ વોશિંગ્ટન ગણમાન્ય પ્રમુખ રહ્યા. અમેરિકાના વિકાસ માટે તેમણે
પાયાનું કાર્ય કર્યું. દેશના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન વિશ્વના સૌથી પ્રભાવશાળી
નેતાઓમાં સ્થાન પામે છે. ગૃહયુદ્ધ સમયે અમેરિકાની એકતા જાળવવામાં તેમણે મહત્ત્વનું
યોગદાન આપ્યું. લોકશાહીની પ્રખ્યાત વ્યાખ્યા લોકોનું, લોકો દ્વારા
અને લોકો માટેનું શાસન તે લિંકને આપી છે. જો કે, આજનું અમેરિકા
અનેક રીતે અલગ પડે છે. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમલી બનાવેલી ટેરીફ નીતિ,
વિયેતનામ અને ઈરાન યુદ્ધો અને તેને કારણે વિશ્વના અન્ય દેશોને થયેલા
નુકસાને અમેરિકાની છબી ધૂંધળી કરી છે. 18મી
સદીમાં અમેરિકાના 13 ઉપખંડ બ્રિટનના રાજા
જ્યોર્જ તૃતીયને આધિન હતા અને તેમના પર વધુ પડતા અને અયોગ્ય કર બતાવાયા હતા. તેમની
દમનકારી નીતિના વિરોધમાં જ અમેરિકી ક્રાંતિ થઈ હતી. બીજી જુલાઈના સ્વતંત્રતા મેળવવાનો
પ્રસ્તાવ પસાર થયો પછી ચોથી જુલાઈના આધિકારિક ઘોષણા થઈ. આ પ્રસ્તાવ થોમસ જેફરસને તૈયાર
કર્યો હતો. તેઓ આઝાદ અમેરિકાના પિતા કહેવાય છે. આ ક્રાંતિની લડત જ્યોર્જ વાશિંગ્ટનના
નેતૃત્વમાં થઈ હતી. તેઓ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. 250 વર્ષનો આ મોટો કાળખંડ છે, તેમાં ઘણં બધું થયું છે, હજુ ઘણું થશે. અમેરિકાના કેટલાક અયોગ્ય કહેવાતા કામોને લીધે તેણે વૈશ્વિક સ્તરે
કરેલા કામની અવગણના થઈ શકે નહીં. હવે જ્યારે આવડો મોટો અને જૂનો દેશ છે ત્યારે વિશ્વના
અન્ય દેશો માટે ઔદાર્ય બતાવવું તે અમેરિકાનું ઉત્તરદાયિત્વ છે.