નવી
દિલ્હી,
તા. 6 : આતંકવાદને પોષતાં પાકિસ્તાનની ભારતમાં લોહિયાળ
હિંસામાં ભૂમિકાની વધુ એક પ્રતીતિ કરાવતા ઘટનાક્રમમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી
(એનઆઈએ) દ્વારા સોમવારે અપાયેલાં પૂરક આરોપનામામાં જણાવાયું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલાનો નાપાક કારસો ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી
હાફિઝ સઈદે જ પાકમાં બેસીને ઘડયો હતો. એનઆઈએ ચાર્જશીટમાં જણાવાયું છે કે, પાક સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના વડા હાફિઝ સઈદે ભારતમાં અશાંતિ
સર્જવા માટે આ કાવતરું ઘડયું હતું. એનઆઈએ દ્વારા સઈદને વ્યક્તિગત રીતે આરોપી
બનાવાયો છે. તેને પ્રતિબંધિત સંગઠન તોયબા અને તેનાં પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટંસ
ફ્રન્ટ (ટીઆરએફ)નો પ્રમુખ બતાવાયો છે. એજન્સીએ કહ્યું હતું કે, આ પૂરક આરોપનામું અગાઉની 1597 પાનાની ચાર્જશીટનો ભાગ છે.
પહેલીવાર 15 ડિસેમ્બર-2025ના
દાખલ કરેલી ચાર્જશીટમાં એનઆઈએ દ્વારા પાકના આતંકી સાજિદ જટ સહિત છ આતંકીને આરોપી
બનાવ્યા હતા. પૂરક આરોપનામામાં પાકિસ્તાનનો કારસો, સઈદની
ભૂમિકા અને એનએનઆઈએટીએ બારિક તપાસ કરી, એકઠા કરેલા પુરાવાઓ
અંગે જાણકારી અપાઈ છે. આરોપનામા અનુસાર, પહેલગામ આતંકવાદી
હુમલો ધર્મના આધાર પર લક્ષિત હત્યાનું હિન કૃત્ય હતો. સૈફુલ્લાહ સાજિદ જટ ઉર્ફે
લંગડાએ જ હુમલાનાં સ્થળ બૈસરનઘાટીનું લોકેશન હુમલો કરનાર આતંકવાદીઓને મોકલ્યું
હતું. એનઆઈએ ચાર્જશીટ મુજબ, ટૂરિસ્ટ ગાઈડ પરવેઝ અહમદ જોઠાર
અને બશીર અહમદ જોઠારે સમયસર જાણકારી આપી દીધી હોત, તો હુમલો
ટાળી શકાયો હોત. બૈસરનમાં જોયા હોવા છતાં સુરક્ષા એજન્સીઓને જાણ નહીં કરનાર બંને
ગાઈડની ધરપકડ થઈ ચૂકી છે. `ઓપરેશન મહાદેવ'માં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીને પણ પહેલગામ હુમલાનાં આરોપનામા આરોપી
બનાવાયા છે. એ ત્રણેય આતંકી પાકિસ્તાની હતા.