• મંગળવાર, 07 જુલાઈ, 2026

ભુજનો આઈયા નગર રોડ બન્યો નવો `ફૂડ ઝોન'

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 6 : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ કલ્ચરનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા કાફે, ફૂડ કોર્નર અને સ્ટ્રીટ ફૂડ લારીઓથી ધમધમી રહ્યા છે. તેમાં એરોપ્લેન સર્કલ વિસ્તાર ભુજના એક લોકપ્રિય ફૂડ ઝોન તરીકે ઉભરી આવ્યો છે. સવાર સાંજ અહીં ચહલપહલ જોવા મળે છે. આગામી સમયમાં વધુ નવા ફૂડ આઉટલેટ શરૂ થવાની શક્યતાઓ વચ્ચે આ વિસ્તાર ભુજના ફૂડ મેપ પર વધુ મજબૂત સ્થાન બનાવશે તેવી વેપારીઓ અને શહેરવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

સ્વાદના દરેક રંગથી સજ્જ ફૂડ ઝોન

સવારથી જ ગરમાગરમ ચા અને સ્વાદિષ્ટ થેપલાં તો ઈન્દોરી - તરી પોહાનો નાસ્તો પીરસવામાં આવે છે. દિવસ આગળ વધતાં છોલે, દહીંવડા, ઢોસા, પાન, વિવિધ પ્રકારના સોડા, કાફે, આઇસક્રીમ પાર્લર તેમજ અન્ય ફાસ્ટફૂડની દુકાનો ગ્રાહકોથી ધમધમતી રહે છે. સ્થાનિક ફૂડ સ્ટોલ ઉપરાંત  હોક્કો અને નેસલે જેવી જાણીતી બ્રાન્ડ્સની હાજરી પણ આકર્ષણ વધારી રહી છે. દરેક ઉંમરના લોકો માટે પોતાની પસંદગી મુજબની વાનગી સરળતાથી મળી રહે છે. ફૂડ કલ્ચરના બદલાતા ચહેરા સાથે એરોપ્લેન સર્કલ હવે માત્ર એક સર્કલ નહીં, પરંતુ શહેરના સામાજિક મિલન અને સ્વાદના કેન્દ્ર તરીકે ઓળખ મેળવી રહ્યું છે.

40થી વધારે વેરાયટીના પાનનું ડેસ્ટિનેશન

આ વિસ્તારનું બનારસી કાફે પાન આઉટલેટ પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. દર્શનભાઈ સોનેતા જણાવે છે કે આઠ વર્ષ પૂર્વે શરૂ કરેલી શોપમાં આશરે 40 જેટલી પાનની વેરાયટીઓ ઉપલબ્ધ છે. બાળકો, મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને ચોકલેટ, ઓરિયો, ડેરી મિલ્ક, કીટકેટ, ફેરેરો રોચર તેમજ સ્ટ્રોબેરી, પાઈનએપલ, ગુલાબ અને રબડી ફ્લેવરના મીઠા પાન વિશેષ લોકપ્રિય છે. 15 રૂ.થી માંડીને 2500 રૂ. સુધીની કિંમતના પાન પીરસીએ છીએ. તેઓ ઉમેરે છે કે તેમના પાન ભુજ અને કચ્છ ઉપરાંત આફ્રિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા છે.

સવારે પૌવા અને સાંજે બાર્બેક્યુની ઉજવણી

સવારના સમયે અહીં ઇન્દોરી પૌવા, તરી પૌવા, મસાલા પૌવા તો સમી સાંજથી છોલે-પુરી, છોલે-કુલચા, પનીર કુલચા અને વિવિધ પ્રકારના લાઈવ બાર્બેક્યુની મોજ માણવા સ્વાદ પ્રેમીઓ ઊમટી પડે છે. નવરાત્રિ દરમિયાન ગરબાની રમઝટ પછી પેટની ક્ષુધા સંતોષવા સવારના પાંચ વાગ્યા સુધી સ્વાદપ્રેમીઓની અવરજવર આ ફૂડ ઝોનને ધમધમતું રાખે છે.

ફલેવર દહીંવડાથી ગોટાળા ઢોસાની સફર

એરોપ્લેન સર્કલ ખાતે છ મહિનાથી શરૂ થયેલી જોશી દહીંવડાની બ્રાન્ચ પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે. અલ્પેશભાઈ જોષી જણાવે છે કે તેમના પિતા જમનાદાસ સૂરજીએ 1967માં 25 પૈસાની આઈટમથી આ વ્યવસાયની શરૂઆત કરી હતી અને આજે તેની પરંપરા આગળ વધી રહી છે. અહીં દહીંવડા, ઇડલી-સાંભાર, ભેળ, ભેળપૂરી ઉપરાંત ઢોસાની અનેક વેરાયટીઓ પીરસવામાં આવે છે. ખાસ કરીને ગોટાળો ઢોસો ને જીની ઢોસા યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેઓ કહે છે, ` અમે સ્વાદ સાથે સ્વચ્છતા અને ગુણવત્તામાં કોઈ સમાધાન કરતા નથી. ગ્રાહકોને દર વખતે એકસરખો સ્વાદ મળે તે અમારી ઓળખ છે. પરંપરાગત દહીંવડા ઉપરાંત સ્ટ્રોબેરી અને મેંગો ફ્લેવરના દહીંવડા પણ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.'

ચાની ચુસ્કી સાથે થેપલા-મોમોઝનો સંગમ

નવ વર્ષથી અહીં થેપલા, પૂરી, મોમોઝ, ચા અને કોફી પીરસતા ખેતલા આપા આઉટલેટ ચલાવતા કિશનભાઈ દવે જણાવે છે કે, ` અમારા અહીંના થેપલા અને ચાની ચૂસ્કી માટે ભુજ ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ લોકો ખાસ આવે છે. ઘર જેવો સ્વાદ અને ગુણવત્તા જાળવવાના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત વધ્યો છે. સવારે છ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ગ્રાહકો ચા - ગાંઠિયા, થેપલા -પૂરીનો સ્વાદ માણે છે.

જીવંત ફૂડ હબ તરીકે ઓળખ

સ્વિગી અને ઝોમેટો જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના સમયમાં પણ તાજી અને ગરમાગરમ વાનગીઓનો સાચો સ્વાદ ફૂડપ્રેમીઓને વારંવાર અહીં ખેંચી લાવે છે. એરોપ્લેન સર્કલ આજે ભુજના સૌથી જીવંત ફૂડ હબ તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.

Panchang

dd