ભુજ, તા. 6 : જિલ્લામાં વરસાદ ખેંચાઈ
જવાના કારણે લીલા ઘાસચારાની અછત વચ્ચે અત્યારે ગૌશાળા અને માલધારીઓ દ્વારા પશુને ખવડાવવા
માટે પંજાબ અને ગુજરાતના વીરમગામથી ચોખાનો સૂકો ઘાસચારો મગાવવાની શરૂઆત થઈ છે. હાઈવે
ઉપર ઘાસચારો ભરેલાં ટ્રેઈલરોની અવરજવર વધુ જોવા મળી રહી છે. ટ્રેઈલરમાં 13 ટન જેટલો માલ ભરવામાં આવે છે અને ચોખાનાં ઘાસની કિંમત
એક કિ.ગ્રા. રૂા. 11થી રૂા. 17 સુધી ચાલી રહી છે. એમાંય પંજાબનાં ઘાસ કરતાં ગુજરાતનાં
ઘાસની ગુણવત્તા સારી હોવાથી એ મોંઘા ભાવે વેચાય છે. લીલાચારાની અવેજીમાં નાછૂટકે પશુમાલિકો
આ ચોખાનાં ઘાસ પર નિર્ભય થયા છે. ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને ઉત્તર બાજુએ વરસાદનું આગમન ધમાકેદાર થઈ ચૂક્યું
છે, પણ કચ્છ હજુ વરસાદનાં આગમનની રાહમાં બેઠું છે, એટલે માલધારી વર્ગ ચિંતિત બન્યો છે.