• મંગળવાર, 07 જુલાઈ, 2026

અબડાસા તાલુકા પંચાયતમાં ચેરમેનોની વરણી સાથે સામાન્ય સભા સંપન્ન

નલિયા, તા. 6 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા મધ્યે આવેલ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જયેન્દ્રાસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં કારોબારી સમિતિને અને સામાજિક ન્યાય સમિતિને પોતાના કાર્યો કરવા માટે સત્તા સુપરત કરવામાં આવી હતી. આ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે પ્રવીણભાઈ માધવજી ભાનુશાલી (તેરા) ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પણ સર્વાનુમતે હીરબાઈ દાદુભાઈ બુચિયા (વરાડિયા) ની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ તકે 16મા નાણાપંચની પ્રાથમિક માહિતી સહિતની જરૂરી તાલીમ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશભાઈ પરમાર દ્વારા તમામ સભ્યોને આપવામાં આવી હતી. બીજી તરફ, સામાન્ય સભા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના સભ્યો વિક્રમાસિંહ સોઢા, અરજણભાઈ સોધમ, જુલેખાબાઈ મોકરશી, આશિષભાઈ રબારી, અલીઅકબર સંઘાર અને અતેહાબાનું હિંગોરા દ્વારા પ્રજાલક્ષી કામો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યોએ વિસ્તારમાં ઇન્ટરલોકના કામો કરવા, પૂર સંરક્ષણ દીવાલ બનાવવી, સી.સી. રોડ બનાવવા, અધૂરા પુલનું કામ પૂરું કરવા, કોમ્યુનિટી હોલ તેમજ પતરાનો શેડ બનાવવા, નવી ગટર લાઈન મંજૂર કરવા, રસ્તાની બાજુમાં નડતરરૂપ ઝાડીઓનું કાટિંગ કરી ખાડા પૂરવા, પ્રાથમિક શાળાઓમાં ઘટતા ઓરડાની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ગ્રામ્ય તળાવો ઊંડા ઉતારવા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ ઉપરાંત ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોઈ પશુધન માટે તાત્કાલિક ધોરણે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્યોએ પોતાના પ્રજાકીય કાર્યોના સુચારુ સંચાલન અર્થે તાલુકા પંચાયત કચેરી ખાતે વિપક્ષને એક અલગ ચેમ્બર ફાળવવા માટે પણ શાસક પક્ષ અને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ વિનોદભાઈ મનજી દરજી સહિતના સત્તાધારી પક્ષ ભાજપના તમામ સભ્યો હાજર રહ્યા હતા, વિપક્ષના તમામ સભ્યોએ હાજરી આપી હતી. સભાની તમામ વહીવટી અને વ્યવસ્થાપકીય કામગીરી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ રાવલ અને વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા સહિતના કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવી હતી.

Panchang

dd