ભચાઉ, તા.6 : ભૂકંપ બાદ સરકાર દ્વારા
પ્રભાવિતો માટે જી-1થી જી-પાંચ કેટેગરીમાં
મકાન સહાય મંજુર કરવામાં આવી હતી. આયોજન અંતર્ગત મોટા પ્રમાણમાં ગેરરીતીઓ આચરાઈ હોવાનું
બહાર આવ્યું હતું. ભચાઉમાં રૂા.11,24,000ની ખોટી સહાય
લઈ, સરકારી નાણાની ઉચાપત, છેતરપીંડી અંગે બે મહિલાઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં 23 વર્ષ ષદ બંને મહિલાઓને નિર્દોષ જાહેર કરાયા હતા. ભચાઉમાં
રહેનાર હંસાબા કનકસિંહ વાઘેલા તથા મંજુલાબેન શામજી ચાવડાને આરોપી દર્શાવવામાં આવ્યા
હતા. તેમના પર આક્ષેપ હતો કે તેઓએ ખોટા રાશનકાર્ડ લાઈટ બીલ, મિલ્કતના પુરાવા, સાહેદોની બનાવટી સહીઓ કરી ખોટી ફાઈલો ઉભી કરી હતી અને રૂા.11,24,000ની સરકારી નાણાની ઉપાપત કરી છેતરપીંડી કરી હતી. કેસની
સુનાવણી દરમ્યાન મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા હતા જેમાં તત્કાલીન નાયબ કલેકટર
એસ.ડી.વસાવા, એમ.બી. ઓઝા,
હમીર વાઘેલા, તપાસ કરનાર અધિકારી જે. એચ. ઝાલાની
જુબાનીઓ લેવાઈ હતી. ફરિયાદ પક્ષના આક્ષેપો પાયાવિહોણા અને તપાસમાં ગંભીર ખામીઓ હોવાની
દલીલો બચાવ પક્ષે કરી હતી. આરોપીઓના સહીના નમુના એફએસએલમાં મોકલાયા નથી, બેંક ખાતાઓની યોગ્ય ચકાસણી કરાઈ નથી, ખોટા દસ્તાવેજો,
સહી સિક્કા કે ખોટા બેંક ખાતા ખોલાવ્યા હોવાની બાબતે બેંક કર્મીઓ કે
અન્ય કોઈ માધ્યમથી સાબીત કરાયું નથી. દસ્તાવેજોના સંદર્ભમાં સબ રજીસ્ટ્રારનું નિવેદન
લેવાયું નથી. મામલતદારની ખોટી સહીના નમુના એફએસએલમાં મોકલાયા નથી વગેરે બચાવ પક્ષે
દલીલો કરી હતી બંને પક્ષોને સાંભળી ન્યાયાધીશે આ બંને મહિલાઓને નિર્દોષ જાહેર કરી છોડી
મુકવાનો આદેશ કર્યો હતો. મહિલાઓ વતી ધારાશાત્રી સિધિકભાઈ આઈ.નારેજા, રમેશ જી. પરમાર, આસિફ એ. રાયમાએ દલીલો કરી હતી.