• રવિવાર, 05 જુલાઈ, 2026

શ્રદ્ધા સામે સત્તાની લડાઈ થઈ રહી છે

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : અયોધ્યાનાં શ્રીરામમંદિરમાંથી દેવદ્રવ્યની જે લૂંટ થઈ છે, તેનો કેસ અને રાજકીય વિવાદ ચાલ્યા કરશે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માત્ર છ - સાત મહિના દૂર છે, તેથી ચૂંટણી નજીક આવતી જશે એમ વિવાદ વધતો જશે, કારણ કે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને સરળતાથી લૂંટનો મુદ્દો મળી ગયો છે ! રામમંદિર નિર્માણની માંગ અને વિવાદ ઘણાં વર્ષો સુધી ચાલ્યાં અને આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મંદિરનાં નિર્માણ માટે ટ્રસ્ટની સ્થાપના થઈ. દેશ - વિદેશથી ફંડફાળા આવ્યા. આશરે રૂા. 350 કરોડ મળ્યા હોવાનો અંદાજ છે, પણ રામનાં નામે ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી તેવો બળાપો વિરોધ પક્ષોનો છે. હકીકતમાં રામમંદિર નિર્માણ હિન્દુઓ માટે શ્રદ્ધાનો મુદ્દો - વિષય હતો અને વચનપૂર્તિ પછી ભાજપને રાજકીય લાભ મળ્યો તે હકીકત છે. હવે વિરોધ પક્ષો રામનામની લૂંટનો મુદ્દો ચગાવીને સત્તા મેળવવા માગે છે ! શ્રદ્ધા સામે સત્તાની આ લડાઈ - `મહાભારત' હવે શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. અલબત્ત, શ્રદ્ધાની શક્તિ અપરંપાર હોય છે, છતાં લોકોની શ્રદ્ધા ડગી જાય નહીં તેની ચિંતા ભાજપને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના `સરકાર્યવાહક (જનરલ સેક્રેટરી) દત્તાત્રય હોસબોલે દાનપેટીની ચોરીના અપરાધીઓને સખતમાં સખત સજા થાય તેવી માગણી કરી છે અને આ કમનસીબ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવા અમે હિન્દુ ધર્મ તથા સમાજને બદનામ કરવાનું કાવતરું હિન્દુવિરોધી અને રાષ્ટ્રવિરોધી પરિબળોએ કર્યું છે તેને નિષ્ફળ કરવા માટે હિન્દુ સમાજને ધીરજ રાખવા અને નિયંત્રણ-માં રાખવાનો અનુરોધ કર્યો છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે, ત્યારે સંઘે મુખ્યપ્રધાન યોગીએ તાત્કાલિક વિશેષ તપાસ સમિતિ નીમવાનો નિર્ણય લીધો તેને સમર્થન આપ્યું છે. મૂળ આવશ્યકતા હિન્દુ સમાજે ધીરજ રાખીને તપાસના અહેવાલની તથા કાનૂની પ્રક્રિયાની રાહ જોવી જોઈએ અને અતિશયોક્તિ તથા કુપ્રચારનો પ્રતિકાર કરવો જોઈએ, જેથી આપણી શ્રદ્ધા ડગી જાય નહીં. કોંગ્રેસના પ્રવક્તા અને જનરલ સેક્રેટરી જયરામ રમેશે તો આરએસએસ પર ટીકાપ્રહાર કર્યા છે કે તેઓ મોટા અપરાધીને છાવરવા - બચાવવા માગે છે ! હકીકતમાં તપાસ અહેવાલ આવ્યા પછી કોઈને પણ બચાવવાનો પ્રશ્ન નહીં હોય. ચંપતરાય અને અનિલ મિશ્રા પકડાયા પછી કયાં મોટાં માથાંની શંકા છેચોરી - લૂંટની માહિતી સૌપ્રથમ સમાજવાદી પાર્ટીના વિધાયકે આપી હતી - તે `મૂળ'ની તપાસ થશે અને પ્રકાશમાં આવશે એવી આશા રાખીએ.

* * *

લૂંટના અહેવાલ આવ્યા પછી રામનાં નામે નવું રાજકારણ શરૂ થયું છે. `લોકોની શ્રદ્ધા ઉપર હુમલો થયો છે. આસ્થા ઉપર આક્રમણ થયું છે' એવી દલીલ હવે ગઈકાલના `સેક્યુલરવાદી' નેતાઓ કરી રહ્યા છે ! કોંગ્રેસનું નવ સભ્યનું પ્રતિનિધિમંડળ અયોધ્યાની યાત્રાએ - શ્રીરામનાં દર્શન અને લૂંટ બદલ ક્ષમાયાચના કરવા ગયું ! કોંગ્રેસના જનરલ સેક્રેટરી વેણુ ગોપાલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે. અરવિંદ કેજરીવાલ કહે છે મોટા ચોર મગરમચ્છને બચાવવાના પ્રયાસ થાય છે. પણ એક બાબત નોંધપાત્ર છે. મંદિરમાં પૈસાની ચોરી થાય છે એવી `જાહેરાત' સમાજવાદી પક્ષના વિધાનસભ્ય પવન પાંડેએ કરી હતી અને તે પછી અખિલેશ યાદવે આ મુદ્દો પકડી લીધો ! સમાજવાદી નેતાને માહિતી કેવી રીતે મળી ? તેની તપાસ થઈ હોય તો જાહેર કરવી જોઈએ. હવે આગામી વર્ષના આરંભમાં જ ચૂંટણી છે, તેથી ત્યાં સુધીમાં તપાસના અહેવાલ આવે, કાનૂની કાર્યવાહી થાય અને સજા થાય તો પણ રાજકીય વિવાદ ચાલુ રહેશે. રામનામ લઈને સેક્યુલરવાદીઓ મેદાનમાં ઊતરશે. રાહુલ ગાંધી અને અખિલેશ હવે જય શ્રીરામ પોકારે તો નવાઈ નહીં ! કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી પણ એકતા બતાવીને ભાજપને પડકારવા માગે છે - યોગી ઉપર નજર છે, પણ નિશાના ઉપર મોદી છે : પ્રહાર આરએસએસ, હિન્દુત્વ ઉપર છે. અત્યારે યોગી જવાબ આપી રહ્યા છે અને લોકોને શ્રદ્ધા છે કે યોગી બોલ્યું પાળે છે, તેથી અપરાધીઓને સજા જરૂર થશે. પ્રશ્ન એ છે કે આસ્થાને લાગેલી કાળી ટીલી ભૂલાશે ? ભૂંસાશે ? પ્રભુ રામનાં ચરણે ધરાયેલી ભેટ - સોગાદની સાચવણી - નહીં કરવાનો આરોપ છે. વિરોધીઓને લૂંટની રકમ પાછી મળવાની અને ગુનેગારોને સજા કરવાની ચિંતા નથી - યોગી-મોદી `લાગ'માં આવ્યા છે એમને હરાવવાની ચિંતા છે ! અને તેઓ માને છે કે એમના હાથમાં `રામબાણ' આવી ગયું છે ! હવે રામનામ અને `રામબાણ'નો સંગ્રામ છે ! ઉદ્ધવ શિવસેના પણ હવે રામનામ જપી રહી છે. હિન્દુત્વનો વિરોધ કર્યા પછી મૂળ સેનામાં ભંગાણ પડયું. રાજ-પાટ ગયા પછી હવે રામ-રક્ષા અભિયાન કે આંદોલન શરૂ થાય છે ! રક્ષાની જરૂર કોને છે - રામને ?

* * *

વિરોધપક્ષના નેતાઓ વેરની વસૂલાત માટે કેટલી હદે જાય - જઈ શકે છે તે જોવાનું છે. આ - કેજરીવાલ કહે છે - ગુનેગારને ફાંસીના માંચડે લટકાવો - આપણા દેશમાં કાનૂન-વ્યવસ્થા છે - ન્યાયની પ્રક્રિયા છે, પણ કેજરીવાલ અરાજકતામાં માને છે ! અપરાધીઓને સજા થાય. થવી જ જોઈએ, પણ કાયદા - ન્યાય મુજબ - થઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે અયોધ્યા - ફૈઝાબાદના વકીલોએ ઠરાવ પસાર કરીને ચંપતરાયને `ફરમાન' કર્યું છે - અયોધ્યા છોડી જાવ. લૂંટના અપરાધીઓના બચાવમાં વકીલાત કરનારા કોઈપણ વકીલનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી છે. સિનિયર વકીલોને જ્ઞાન-ખબર હોવી જોઈએ કે ભારતનાં સંવિધાન હેઠળ કોઈપણ અપરાધીને પોતાના બચાવમાં વકીલ રોકવાનો અધિકાર છે. જો એને વકીલ મળે નહીં તો સરકાર - અદાલતે બચાવ માટે વકીલ આપવો જોઈએ. હજુ પાંચ વર્ષ પહેલાં જ - 2020માં સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. મોહમ્મદ રફી વિ. સ્ટેટ ઓફ તામિલનાડુ - કેસમાં કહ્યું છે કે બાર કાઉન્સિલનો આવો ઠરાવ - સંપૂર્ણ રીતે ગેરકાયદે છે. પ્રણાલી તથા વ્યવસાયી નીતિમત્તા વિરોધી છે. કોઇમ્બતુરમાં બાર કાઉન્સિલે ઠરાવ કર્યો હતો કે પોલીસકર્મીએ કરેલા અપરાધનો બચાવ કોઈપણ વકીલ કરશે નહીં. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ અને ગ્યાન સુધા મિશ્રાએ સંવિધાનની કલમ 22 (1) ટાંકીને ચુકાદો આપ્યો કે ધરપકડ થયા પછી પણ પોતાની પસંદગીના વકીલને રોકવાનો તેને અબાધિત અધિકાર છે. ફૈઝાબાદની બાર કાઉન્સિલે પોતાનો ઠરાવ પાછો ખેંચવો જોઈએ. માત્ર સંજોગો અનુસાર પ્રસિદ્ધિ મેળવવાનો હેતુ હોવાનું સ્પષ્ટ છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ - વહીવટનાં સંચાલન માટે એક `સીઈઓ'ની નિમણૂક કરવાની ભલામણ કરી છે. એમણે કહ્યું હતું કે ચંપતરાયની નિયત-નિષ્ઠા ખરાબ નથી, પણ વહીવટ યોગ્ય થયો નથી. - સમગ્ર ટ્રસ્ટ બરખાસ્ત કરવાની માગણીમાં કેટલાક સંત પણ જોડાયા છે. વિશેષ કરીને એક શંકરાચાર્ય ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી કરીને યાત્રા કરી રહ્યા છે. તેઓ યોગીના વિરોધમાં હોવાનું કહેવાય છે. મોદી સરકારે નવેસરથી ટ્રસ્ટની રચના કરવી જોઈએ એવી માગણી કરનારા જાણતા જ નથી કે આ ટ્રસ્ટ સ્વતંત્ર સંસ્થા છે અને રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હેઠળ નથી. નીરજ શર્મા નામના એક કાર્યકર્તાએ 2024ના ફેબ્રુઆરીમાં દિલ્હી હાઈકોર્ટને અરજી કરી હતી કે આ ટ્રસ્ટના માહિતી અધિકારીઓની વિગત આપો. હાઈકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને પૃચ્છા કરી ત્યારે કમિશને ભારત સરકારનાં ગૃહખાતાં પાસેથી મળેલો અહેવાલ સુપ્રત કર્યો કે અયોધ્યાનાં રામમંદિર ટ્રસ્ટની સંપૂર્ણ સત્તા તેના કાયમી ટ્રસ્ટીઓની છે. આંતરિક વહીવટના નિર્ણય લેવા માટે તેઓ સ્વાયત્ત છે. નવેમ્બર - 2019માં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સ્થપાયેલું ટ્રસ્ટ સ્વાયત્ત છે અને સરકાર પાસેથી કોઈ નાણાકીય વ્યવસ્થા નથી. વહીવટી કંટ્રોલ નથી. આમ, કોઈ ટ્રસ્ટીને કાઢવાની સત્તા નથી. ચંપતરાયે જનરલ સેક્રેટરી પદનું રાજીનામું આપ્યું છે, પણ ટ્રસ્ટીપદે રહી શકે છે. એક વિકલ્પ રાજીનામું આપવાનો જ છે.

* * *

આ દરમિયાન - ભાજપ અને મોદી-યોગી `ભીંસ'માં છે એમ જાણીને, માનીને વિપક્ષી મોરચાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતને પત્ર લખીને ચૂંટણીપંચ સામે ફરિયાદ કરી છે. ચૂંટણીમાં ગેરરીતિ અને ભેદભાવ-પક્ષપાત રખાય છે અને સરકારી તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે - લોકતંત્ર ભયમાં છે - બચાવો એવી પત્ર ઉપર ત્રેવીસ જેટલા નાના-મોટા વિપક્ષોના નેતાઓએ સહી કરી છે. મતદારયાદીઓની ચકાસણી થાય છે તેનો વિરોધ કર્યો છે, પણ આ વિષયમાં અગાઉ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય - ચુકાદો આવી જ ગયો છે. ગયા મહિને ઇન્ડિ મોરચાની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ પત્ર લખાયો હતો અને હવે - દેવદ્રવ્યની લૂંટના અહેવાલ આવ્યા પછી પત્રકારોને આપવામાં આવ્યો છે. બીજી બાજુ, વિપક્ષી નેતાઓએ સેક્યુલરવાદમાં એક પગ રાખવા માટે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાનને પત્ર લખીને શાંતિ જાળવવા માટે સંવાદ અને સહકાર આપવાનો અનુરોધ કર્યો છે. પાકિસ્તાન આતંકવાદ બંધ કરે તો અને ત્યારે જ સંવાદ-સહકાર થઈ શકે એવી ભારતની નીતિ છે, ત્યારે વિપક્ષોને રાષ્ટ્રહિત કરતાં રાજકીય હિતની વધુ ચિંતા છે

Panchang

dd