નવી
દિલ્હી,
તા. 6 : તાજેતરમાં ખાડી દેશોમાં જંગનાં કારણે સર્જાયેલી
ઊર્જા કટોકટી પછી વધુ સતર્ક બની ગયેલી ભારતીય ઓઈલ કપંનીઓ હવે અમેરિકા પાસેથી
એલપીજીની ખરીદીને વર્તમાન 22 લાખ ટનથી વધારવાની યોજના બનાવી રહી છે. આ પગલાનો
મુખ્ય ઉદ્દેશ પોતાની આયાતનાં પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ઈરાદાપૂર્વક ખાડી
દેશો ઉપરની નિર્ભરતાને ઘટાડવાનો છે. અમેરિકા સાથે અનુબંધિત એલજીપી પુરવઠાનું
પ્રમાણ વધારીને બમણું કરવામાં આવી શકે છે. આ સાથે જ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ
કંપનીઓ અલ્જીરિયા સહિતનાં અન્ય બજારોમાંથી પણ પુરવઠાની સંભાવનાઓ ચકાસી રહી છે.
ભારતને નવેમ્બર 202પમાં અમેરિકા સાથે એક વર્ષ માટે કરાર કર્યો હતો
અને તે મુજબ રાંધણ ગેસની કુલ વાર્ષિક આવશ્યકતાનો લગભગ 10 ટકા
જેટલો હિસ્સો અમેરિકાથી આયાત કરવાનો હતો. ઈરાન યુદ્ધ બાદ ભારતને એલપીજી પૂરો પાડતા
મોટા દેશો પૈકી એક અમેરિકા પણ ઉભરી આવ્યું હતું જ્યારે ખાડી દેશોમાંથી આવતા જહાજો
હોર્મુઝ જળમાર્ગમાં ફસાઈ ગયા હતાં ત્યારે અમેરિકાનાં પુરવઠાએ ભારતને અત્યંત જરૂરી
સુરક્ષાકવચ પૂરું પાડયું હતું. અમેરિકાથી આયાત વધારવામાં આવતાં ખાડી દેશો ઉપરની
નિર્ભરતા ઘટવા ઉપરાંત ભારતને ભવિષ્યની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક
અનામત જથ્થો ઉભો કરવામાં પણ મદદ મળશે. પેટ્રોલિયમ મંત્રાલયે ઓઈલ કંપનીઓને એલપીજીનો
30 દિવસ
ચાલે એટલો વ્યૂહાત્મક ભંડાર બનાવવા માટે કહ્યું હતું. આ ભંડાર ભારતની દૈનિક
જરૂરિયાત પૂરી કરવાં માટેનાં 4પ દિવસનાં પુરવઠાથી અતિરિક્ત હશે.