નવી
દિલ્હી, તા.
13 (વિશેષ પ્રતિનિધિ તરફથી) : નીટ-યુજી (નેશનલ એલિજિબિલિટી
કમ એન્ટરન્સ ટેસ્ટ-અંડરગ્રૅજ્યુએટ) પરીક્ષા પેપર ફૂટી જવાના અને ઘાલમેલના કિસ્સા તો
આ પહેલાં પણ બન્યા છે,
પણ પહેલીવાર આ પરીક્ષા રદ થઈ છે. તબીબી શિક્ષણમાં અંડરગ્રૅજ્યુએટ કક્ષાએ
ઍડ્મિશન માટેની આ પરીક્ષા છેલ્લા ઘણા સમયથી શંકાના દાયરામાં આવી છે. એમ તો,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પેપર લીક, બનાવટી
ડિગ્રી અને રિક્રૂટમેન્ટના નામે છેતરાપિંડીના રૂા. 4000 કરોડના શિક્ષણ ક્ષેત્ર સંબંધી એક કૌભાંડની તપાસ
આદરી છે. આ તપાસનો વ્યાપ સ્કૉલરશિપ સંબંધી ગોલમાલ અને બનાવટી ઍડમિશનનાં કૌભાંડ સુધી
જાય છે. ઈડીએ અત્યાર સુધીમાં દેશનાં વિવિધ રાજ્યોમાં અનેક હાઈ-પ્રોફાઈલ આરોપીઓના રૂા.
1500 કરોડથી વધુ મૂલ્યની સંપત્તિ પર ટાંચ મારી છે.
શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા ગોરખધંધા પર રોક લગાડવાના આશયથી શરૂ થયેલી આ તપાસમાં જૂના-નવા
અનેક મામલા આવરી લેવામાં અને તેમની વચ્ચે કનેક્શનની શોધ ચાલી રહી છે. આ તપાસના દાયરામાં
આવેલું નામ એટલે અલ-ફલાહ ગ્રુપના વડા જાવેદ અહેમદ સિદ્દિકી. હાલમાં જ ઈડીએ તેની કસ્ટડી
ફરી મેળવી છે અને બનાવટી દસ્તાવેજોના આધારે નવી દિલ્હીમાં કથિતપણે જમીન મેળવવામાં તેમની
ભૂમિકાની તપાસ હાથ ધરાઈ છે. ઈડીએ 54 એકર જમીન અને રૂા. 139.37 કરોડના
મૂલ્યની ઈમારત જપ્ત કરી છે અને આ એક જ મામલામાં કુલ રૂા. 493.24 કરોડનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. વળી, વિદ્યાર્થીઓને ઍડમિશન લેવા
ભરમાવવા માટે ઍક્સપાયર થયેલા એનએએસી એક્રિડિશનનો ઉપયોગ કરવાનો આરોપ પણ આ યુનિવર્સિટી
સામે છે. અલ-ફલાહ સામે મંજૂરી અને પ્રમાણપત્રો મેળવવામાં કથિત અનિયમિતતાઓ આચરવાના મામલાઓની
પણ તપાસ ચાલી રહી છે. મૂળ તો સિદ્દિકીની ધરપકડ ગયા વર્ષે દસમી નવેમ્બરે નવી દિલ્હીના
લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ સંબંધિત કેસમાં કરાઈ હતી. તપાસ બાદ સામે આવ્યું કે,
અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સિટી તથા અન્ય સંસ્થાઓની આડમાં કાળાં
નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હતી. શૈક્ષણિક ક્ષેત્ર સંબંધિત કેસની
આ તપાસમાં પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં ઈડીએ રૂા. 15.26 કરોડની પ્રૉપર્ટી જપ્ત કરી છે અને ભૂતપૂર્વ
શિક્ષણ પ્રધાન પાર્થા ચેટરજી તથા તેમની સાથીદાર અર્પિતા મુખરજી સહિત સાત લોકોની ધરપકડ
કરાઈ હતી. આ રાજ્યના જ અન્ય એક કેસમાં આસિસ્ટન્ટ ટીચર ભરતીનો છે, જેમાં ઈડીએ ગયા મહિને રૂા.
238.8 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી છે અને આ મામલામાં
કુલ ટાંચ સંપત્તિનો આંકડો રૂા. 247 કરોડ
સુધી પહોંચ્યો છે. તો,
ઈડીએ આમ આદમી પાર્ટી સરકારની દિલ્હી પબ્લિક સ્કૂલ માટે વર્ષ 2015થી 2023 વચ્ચે ઊભા કરવામાં આવેલા અર્ધ-કાયમી માળખાં પાછળ ખર્ચાયેલા બે હજાર કરોડ રૂપિયામાં
થયેલી ગોલમાલના મામલામાં પણ તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશની ખાનગી શૈક્ષણિક
સંસ્થાઓમાં સરકારી સ્કૉલરશિપ માટેનું ભંડોળ સેરવી લેવાની છેતરાપિંડીના પણ અનેક કેસ
નોંધવામાં આવ્યા છે. આવા જ કેસ ઉત્તર પ્રદેશમાં હાઈગિયા ગ્રુપ, કર્ણાટકમાં રામપુર મેડિકલ કૉલેજમાંના કૌભાંડની તપાસ ચાલી રહી છે અને સંપત્તિ
જપ્ત કરાઈ છે. તો, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મેડિકલ ઍડમિશનમાં
બનાવટી એનઆરઆઈ ક્વૉટા સંબંધી રેકેટમાં અનેક ખાનગી કૉલેજો શંકાનાં વર્તુળમાં આવી હતી,
જેમાં રૂા. 32 કરોડ જેવી રકમની ઘાલમેલ સામે આવી છે. ટૂંકમાં, દેશભરમાં રૂપિયા ચાર હજાર કરોડનાં
શૈક્ષણિક કૌભાંડની તપાસ ચાલી રહી છે.