• રવિવાર, 28 એપ્રિલ, 2024

પહેલીવાર અદાણી અને અંબાણી વચ્ચે કરાર

નવી દિલ્હી, તા. 28 : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના હરીફ કારોબારી ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર સાથે કરાર કર્યો છે. મધ્યપ્રદેશની અદાણી વિદ્યુત પરિયોજનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 26 ટકા ભાગીદારી ખરીદી છે. પહેલીવાર બન્યું છે, જ્યારે બે દિગ્ગજ ઉદ્યોગપતિ વચ્ચે કોઇ સમજૂતી થઇ હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પાવર પ્લાન્ટથી ઉત્પાદિત થનાર 500 મેગાવોટ વીજળીનો વપરાશ કરવા માટે અદાણી પાવર સાથે સમજૂતી કરી છે. શેરબજારમાં નોંધાવેલા રેગ્યુલેટરી ફાઇલિંગમાં બંને કંપનીઓએ કહ્યું કે, રિલાયન્સ, અદાણી પાવર લિમિટેડની માલિકી હક્કવાળી કંપની મહાન એનર્જી લિમિટેડમાં દસ રૂપિયા અંકિત મૂલ્ય (50 કરોડ રૂપિયા)ના પાંચ કરોડ ઇક્વિટી શેર ખરીદશે અને ખાનગી ઉપયોગ માટે 500 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે. ગુજરાતના બંને ઉદ્યોગપતિ એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ટોચના બે ક્રમાંક સુધી પહોંચવા માટે વર્ષોથી એકબીજાની આસપાસ ઘૂમી રહ્યા છે. મુકેશ અંબાણી ઓઇલ એન્ડ ગેસ, રિટેલ, ટેલિકોમ વ્યવસાયથી જોડાયેલા છે, જ્યારે અદાણી સમૂહ બંદરથી લઇને હવાઇ મથક, કોલસા અને ખનન સુધી ફેલાયેલા બુનિયાદી ઢાંચાના વ્યવસાયમાં સામેલ છે, પરંતુ બંને સમૂહ હરિત ઊર્જા વ્યવસાયમાં એકબીજાના હરીફ છે. અદાણી જૂથ 2030 સુધી વિશ્વના સૌથી મોટા પુન: પ્રાપ્ત ઊર્જા ઉત્પાદક બનવાની આકાંક્ષા રાખે છે. રિલાયન્સ ગુજરાતના જામનગરમાં ચાર ગિગા ફેક્ટરીનું નિર્માણ કરી રહ્યું છે. એમાં પ્રત્યેક ફેક્ટરી સૌર પેનલ, બેટરી, ગ્રીન હાઇડ્રોજન અને ઈંધણ સેલ માટે છે, તો અદાણી જૂથ પણ સૌર મોડયૂલ પવન ટર્બાઇન અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરનાં નિર્માણ માટે ત્રણ ગિગા ફેક્ટરી લગાડી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang