• રવિવાર, 28 એપ્રિલ, 2024

કેજરીની મુસીબત વધી ; હાઈકોર્ટમાં રાહત નહીં

નવી દિલ્હી, તા. 27 : આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે ઈડીને જવાબ દાખલ કરવા માટે બે એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. મામલે આગામી સુનાવણી ત્રણ એપ્રિલના કરવામાં આવશે. કેસની સુનાવણી બુધવારે સવારે શરૂ થઈ હતી. અરવિંદ કેજરીવાલની ઈડીએ લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21મી માર્ચે તેમના સત્તાવાર આવાસેથી ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડમાં રાઉઝ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીની હિરાસતમાં મોકલી દીધા હતા. ઈડી તરફથી ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી ઉપર જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની અદાલતે નોટિસ જારી કરીને ઈડી પાસે જવાબ માગ્યો છે. કેજરીવાલની વચગાળાની રાહતની અરજી ઉપર એજન્સીએ બે એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવો પડશે. અદાલત હવે ત્રીજી એપ્રિલના  સુનાવણી કરશે. કેજરીવાલના વકીલોએ દિલ્હીના મુખ્યમંત્રીની મુક્તિ માટે તત્કાળ સુનાવણીની માગ કરી હતી. જો કે, ઈડીએ તત્કાળ સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કેજરીવાલની એપ્લીકેશન અને રિટ અરજી ઉપર જવાબ દાખલ કરવા માગે સમય માગ્યો હતો. હાઈકોર્ટે બુધવારે ઈડીને જવાબ  દાખલ કરવા માટે બે એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો અને ત્રીજી એપ્રિલે વધુ સુનાવણી નક્કી કરી હતી. દિલ્હીના સીએમ કેજરીવાલનો પક્ષ રજૂ સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાખ્યો હતો. તેમણે અદાલતમાં કહ્યું હતું કે, તેઓ અમુક મહત્ત્વની વાત કરવા માગે છે. જેના ઉપર ઈડીનો પક્ષ રાખતા એએસજી એસવી રાજુએ કહ્યું હતું કે, ઘણી વાત જરૂરી હોય શકે છે, પણ ઈડી તરફથી જવાબ દાખલ કરવો જરૂરી છે. જેના ઉપર કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, અરજકર્તા કસ્ટડીમાં છે. જો કે, તેની પહેલાં ઈડીના વકીલ બોલવા લાગ્યા હતા. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, મોડી રાત્રે અરજીના ડિફેક્ટ ક્યોર થયા છે, તો કોપી કેવી રીતે દઈ શકાય ?  જેના ઉપર ઈડીના વકીલે કહ્યું હતું કે, ડિફેક્ટ ધરાવતી કોપી આપી દેવી જોઈતી હતી. તે કેવી રીતે નિર્ણય કરી શકે કે જવાબ દેવાની જરૂર છે કે નહીં. ત્યારબાદ સિંઘવીએ સમય બરાબાદ કરવાની કોશિશનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ રિમાન્ડને પણ પડકારી રહ્યા છે. આવતીકાલે કેજરીવાલની રિમાન્ડ પૂરી થઈ રહી છે, એટલે મામલો તત્કાળ સાંભળવામાં આવે. દરમ્યાન કોર્ટે ઈડીને જવાબ આપવા માટે સંક્ષિપ્ત સમય આપવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, મામલાની સુનાવણી અને  ફેંસલો કરતા સમયે અદાલત પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોને ધ્યાને લઈને બન્ને પક્ષને નિષ્પક્ષ રીતે સાંભળવા માટે બાધ્ય છે. વર્તમાન મામલે નિર્ણય લેવા માટે ઈડીનો જવાબ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. હાઈકોર્ટે કેજરીવાલના પક્ષની દલીલ ખારિજ કરી દીધી હતી. જેમાં કહ્યું હતું કે, ઈડીના જવાબની કોઈ જરૂર નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang